ગુજરાતમાં રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે, જેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં અનુભવી નેતાઓ અને સંગઠનના મહારથીઓનો સમાવેશ કરીને ભાજપે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.
સમિતિમાં દિગ્ગજ નેતાઓનો સમાવેશ
જાહેર કરવામાં આવેલી આ સમિતિમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રભાવશાળી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુખ્ય નામો નીચે મુજબ છે:
સૌરાષ્ટ્રના અગ્રણીઓ: રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અને વરિષ્ઠ નેતા ગોરધનભાઇ ઝડફિયાને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત પોરબંદરના પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયાને પણ સમિતિમાં સ્થાન મળ્યું છે.
અન્ય પ્રદેશોના નેતાઓ: જયસિંહ ચૌહાણ, જશવંતસિંહ ભાભોર, પ્રદિપભાઈ પરમાર, મનીષભાઈ પટેલ અને શિલ્પેશભાઈ દેસાઇ જેવા દિગ્ગજોને પણ ચૂંટણી સંચાલનની કમાન સોંપવામાં આવી છે.
શું રહેશે આ સમિતિની મુખ્ય જવાબદારી?
આ સમિતિ ચૂંટણી દરમિયાન પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. મુખ્યત્વે ઉમેદવારોની પસંદગી તેમજ દરેક મહાપાલિકામાં જીતી શકે તેવા ઉમેદવારોની પેનલ તૈયાર કરવી.
ચૂંટણી પ્રચાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવી.
રાજકીય રણનીતિ: વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડી ભાજપનો કેસરીયો લહેરાવવો.
સંકલન: સ્થાનિક નેતાઓ અને કાર્યકરો વચ્ચે સુમેળ સાધીને ચૂંટણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરવું.
રાજકોટ પર ખાસ નજર
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ તાજેતરની કેટલીક ઘટનાઓ અને પ્રજાકીય પ્રશ્નોને જોતા ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. ઉદયભાઇ કાનગડ અને ગોરધનભાઇ ઝડફિયા જેવા નેતાઓનો અનુભવ રાજકોટમાં પક્ષને મજબૂતી અપાવશે તેવી આશા છે. આ જાહેરાત સાથે જ ભાજપ હવે સત્તાવાર રીતે ચૂંટણી મોડમાં આવી ગયું છે અને આગામી દિવસોમાં વોર્ડ વાઈઝ મીટિંગો અને સંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવશે.