BREAKING NEWS

ભાજપે અમદાવાદ જિપંચાયત., તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારો જાહેર કર્યા

  • April 10, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આખરે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત શરૂ કરી દીધી છે. આજે, ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટેના નામો જાહેર કરવામાં આવ્યા છે.


ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, વિરમગામ અને ધોળકા નગરપાલિકા માટે કુલ ૭૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ભાજપે તાલુકા પંચાયતોમાં પણ સમીકરણો ગોઠવ્યા છે. યાદી અનુસાર વિરમગામ પંચાયતમાં ૨૦, ધોળકામાં ૨૨, અને દસક્રોઈ તાલુકા પંચાયતમાં સૌથી વધુ ૨૮ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત સાણંદમાં ૨૪, બાવળામાં ૧૮, જ્યારે ધોલેરા, માંડલ, ધંધુકા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં ૧૬-૧૬ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.


આ વખતની યાદીમાં ભાજપ દ્વારા 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને સાર્થક કરવા લઘુમતી ઉમેદવારો પર પણ વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાની નવ તાલુકા પંચાયતોમાં કુલ ત્રણ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સાણંદની વિરોચનનગર બેઠક પરથી સમસુદ્દીન પઠાણ, ધંધૂકાની બાજરડા બેઠક પરથી તૌફીક ઉમડીયા અને વિરમગામ તાલુકા પંચાયતમાં કયામુદ્દીન સિદાને ટિકિટ મળી છે. તેવી જ રીતે નગરપાલિકાઓમાં કુલ નવ લઘુમતી ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં ધોળકામાં સૌથી વધુ છ, વિરમગામમાં બે અને બારેજામાં એક લઘુમતી ઉમેદવારનો સમાવેશ થાય છે.


ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કેટલીક બેઠકો પર ખેંચતાણ અને ચર્ચાઓ બાકી હોવાથી આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે. આ બેઠકમાં બાકી રહેલી બેઠકો પર મંથન કર્યા બાદ તબક્કાવાર રીતે અન્ય જિલ્લાઓ અને નગરપાલિકાઓના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવ એપ્રિલે સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, ખેડા અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. સમયની મર્યાદાને જોતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) સહિતના તમામ પક્ષોમાં દોડધામ મચી છે. બાકી રહેલા તમામ નામોની જાહેરાત આજે મોડી રાત સુધીમાં કરી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News