BREAKING NEWS

ઉમેદવારોના મામલે ભાજપમાં ગડમથલ, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક એક દિવસ લંબાવી, રાજકોટ, અમદાવાદ સહિતની મનપા મુદ્દે ભારે વિવાદ

  • April 10, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમેદવારોના નામો નક્કી કરવાના મામલે અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં હંમેશા આગળ રહેતું ભાજપ આ વખતે ફોર્મ ભરવાના આડે માત્ર બે દિવસ બાકી હોવા છતાં નામો જાહેર કરવામાં પાછળ રહ્યું છે. રાજકોટ અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓના નામોના મામલે ભારે વિવાદ અને ખેંચતાણ હોવાથી ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા ન હોવાનું બહાર આવ્યું છે.


પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 6 એપ્રિલ થી શરૂ થઈ છે અને શનિવાર તારીખ 11 ના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આમ ફોર્મ ભરવા માટે હવે માત્ર 48 કલાક બાકી હોવા છતાં મુરતિયાઓ નક્કી ન થતા ભાજપે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક વધુ એક દિવસ લંબાવી છે. અગાઉ કરાયેલી જાહેરાત મુજબ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ત્રણ દિવસ માટે મળવાની હતી પરંતુ હવે તે આજે પણ ચાલુ રહી છે અને આજે મોડી સાંજ સુધીમાં રાજકોટ અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓના ઉમેદવારો જાહેર થઈ જાય તેવી શક્યતા છે.


27% ઓબીસી અનામત, 60 વર્ષ કે તેથી વધુ વયનાને ટિકિટ નહીં, ત્રણ ટર્મ કે તેથી વધુ ચૂંટણી લડ્યા હોય તેમને પણ આ વખતે ટિકિટ નહીં મળે તેવા પણ એક નવા માપદંડ ભાજપે તેમના ઉમેદવારોની પસંદગી માટે જાહેર કર્યા છે અને આ બાબત જ તેના માટે ગળામાં ફસાયેલા હાડકા જેવું બન્યું હોવાની વાતો બહાર આવી રહી છે.


સામાન્ય રીતે પ્રજાના દિવસે ચૂંટણીના ફોર્મ સ્વીકારવામાં આવતા નથી. પરંતુ તારીખ 11 ના શનિવારની રજા હોવા છતાં તેને કામકાજના દિવસ તરીકે ગણવામાં આવશે અને ઉમેદવારોના ફોર્મ સ્વીકારવા સહિતની ચૂંટણીલક્ષી કામગીરી ચાલુ રહેશે તેવું નોટિફિકેશન પણ સરકારને બહાર પાડવું પડ્યું છે તેને રાજકીય નિરીક્ષકો ઘણું મહત્વનું ગણાવે છે.


અમદાવાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાઓના ઉમેદવારોના નામો જાહેર કરી દવાયા છે. પરંતુ મહાનગરપાલિકાના ઉમેદવારોના મામલે ભારે પેચ ફસાયો છે. જોકે રાજકોટ જેવા શહેરમાં તો મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો અને નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં ઉમેદવારો ના નામ જાહેર કરવાનું બાકી છે.


ભાજપ શું કરે છે? તેના પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મીટ માંડીને બેઠા હોવાથી આ બંને પાર્ટીઓએ પણ તેમના પૂરેપૂરા લીસ્ટ જાહેર કર્યા નથી. અમુક ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરીને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવા સૂચના આપી દીધી છે. પરંતુ હવે આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો થવાની પરિસ્થિતિ ઉભી થશે તે નિશ્ચિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News