ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનર ફિલિપ ગ્રીન અને કોન્સ્યુલેટ જનરલ પૉલ મર્ફીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કરી મુલાકાત

  • April 05, 2024 09:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન અને મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ પૉલ મર્ફીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 


ભારતમાં છ મહિનાથી સેવારત શ્રી ફિલિપ ગ્રીન પાંચમી વખત ગુજરાત પધાર્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી શરૂ કરનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે‌ 300 વિદ્યાર્થીઓની પ્રથમ બેચનું શિક્ષણકાર્ય પણ શરૂ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસ કરી રહ્યું છે. ગુજરાત સાથે ઊર્જા ક્ષેત્રમાં પણ સહયોગ વિકસાવવા ઓસ્ટ્રેલિયા તત્પર છે.


ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં વર્ષ 2032 માં ઓલિમ્પિક્સ યોજાશે જ્યારે ભારતે ગુજરાતમાં વર્ષ 2036 માં ઓલિમ્પિક્સના આયોજન માટેની દાવેદારી નોંધાવી છે ત્યારે ભવિષ્યમાં ઓલિમ્પિક્સને લઈને પણ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશેષ આદાન-પ્રદાનની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. ભારતની પરંપરાગત વૈદિક ચિકિત્સા પદ્ધતિ અને આયુર્વેદનો વ્યાપ ઓસ્ટ્રેલિયામાં વધારવાની સંભાવના વિશે પણ વિચાર-વિમર્શ કર્યો હતો. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીના વિકાસમાં અગ્રેસર ઓસ્ટ્રેલિયાએ કૃષિ વિકાસમાં પણ પોતાની નિપુણતાનો લાભ આપવાની તત્પરતા દર્શાવી હતી.


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી ફિલિપ ગ્રીન અને શ્રી પૉલ મર્ફીને ગુજરાતમાં આવકાર્યા હતા અને ગુજરાત પ્રત્યેની તેમની વિશેષ લાગણી માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીની શરૂઆતથી બંને દેશોના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.


શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વૉર્મિંગની ગંભીર અસરો ભોગવી રહ્યું છે. ગ્લોબલ વૉર્મિંગ માટે 24% જવાબદાર રાસાયણિક ખેતી પદ્ધતિ અને જંતુનાશક દવાઓ છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પર્યાવરણીય પડકારો અને માનવ સ્વાસ્થ્યની સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે. ગુજરાત અને ભારતના વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પણ આ દિશામાં આગળ વધવું જોઈએ. તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિસ્તૃત સમજણ અને શિક્ષણ આપતું પોતાનું પુસ્તક પણ બને મહાનુભાવોને ભેટ આપ્યું હતું.


ઓસ્ટ્રેલિયાના ઉચ્ચાયુક્ત શ્રી ફિલિપ ગ્રીને કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ઘણા ભારતીય વસે છે જેમાં 80,000 થી વધુ ગુજરાતીઓ છે. ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા લોકો ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે, એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, 'વસુધૈવ કુટુંબકમ્ ની વિભાવનામાં વિશ્વાસ ધરાવનારા ભારત અને ઓસ્ટ્રેલિયાના મૈત્રીભર્યા સંબંધો સુખદાયી અને સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. એકબીજાના સહયોગથી આગળ વધીશું તો તેનો લાભ સમગ્ર વિશ્વને મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News