ખંભાળિયા નજીક ખાનગી કંપનીના કર્મચારીઓ પર વાહન ચડાવીને હત્યાનો પ્રયાસ: ત્રણ શખ્સો સામે ફરિયાદ

  • March 20, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નજીક ખાનગી કંપનીના કર્મચારીઓ ઉપર ડમ્પર ચડાવી અને હત્યાના પ્રયાસ સબબ એક અજાણ્યા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે ખંભાળિયાના યોગેશ્વરનગર -૧ વિસ્તારમાં રહેતા અને એસ્સાર કંપનીની સિક્યુરિટીમાં ફરજ બજાવતા જુવાનસિંહ બનેસંગ જાડેજા નામના ૪૫ વર્ષના યુવાન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી જુવાનસિંહ જાડેજા તેમજ તેમની સાથેના અન્ય કર્મચારીઓ ગત તારીખ ૧૭ મીના રોજ રાત્રિના આશરે ૯:૩૦ વાગ્યાના સમયે પરોડીયા ગામના વાડી વિસ્તારની સીમમાં તેમની ફરજ પર રહ્યા હતા, ત્યારે આ સ્થળેથી પસાર થતા એક ડમ્પરને તેઓએ હાથના ઇશારાથી અટકાવ્યું હતું. આ ડમ્પર ચલાવતા અજાણ્યા શખ્સએ ડમ્પરમાં બ્રેક મારી હતી. પરંતુ અહીં રહેલા સિક્યુરિટીના જુવાનસિંહ જાડેજા તેમજ અન્ય કર્મચારીઓ ડમ્પર નજીક પહોંચતા તેઓને કચડી નાખી અને મારી નાખવાના ઈરાદાથી તેના પર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આટલું જ નહીં, ડમ્પરમાં બેઠેલા આરોપી એવા પરોડીયા ગામના રાયદે ડોસલ ગઢવીએ બેઠા બેઠા રાડો પાડી હતી કે "ચડાવી દો બોલેરો ઉપર. આજે તો જાનથી મારી નાખવા છે". તેમ કહી અને ડમ્પરની બારીમાંથી લોખંડનો પાઇપ કાઢી અને મારવાની કોશિશ કરી હતી. આનાથી જીવ બચાવવા માટે ફરિયાદી જુવાનસિંહ તથા અન્ય કર્મચારીઓ એક તરફ કૂદીને તેઓની સિક્યુરિટીની જીપમાં બેસી અને નાસવા જતા અન્ય એક આરોપી એવા પરોડીયા ગામના ભરત રાયદે ગઢવી દ્વારા લાકડાનો ધોકો લઈને "આજે તો જાનથી મારી નાખવા છે"- તેમ કહી અને સિક્યુરિટીના વાહનમાં આગળના ભાગે ધોકા મારી કાચ તોડી નાખી, તેમના વાહનમાં નુકસાની પહોંચાડી હતી.
આમ, આરોપીઓ દ્વારા પોતાનું ડમ્પર સિક્યુરિટીની ટી.યુ.વી. ગાડી પર ચડાવવા પ્રયાસ કરી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની કોશિશ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી, સિક્યુરિટીની ગાડીમાં ટક્કર મારી અને વ્યાપક નુકસાન પહોંચાડ્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે પરોડીયા ગામના રાયદે ડોસલ ગઢવી, ભરત રાયદે ગઢવી અને એક અજાણ્યા શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૩૦૭, ૪૨૭, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
ગોઈંજના આધેડ પર હુમલો: પિતા-પુત્ર સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા ભીખાભાઈ બોઘાભાઈ ભાટીયા નામના ૫૫ વર્ષના આહિર આધેડના ખેતર વચ્ચેના શેઢા પર પાળો કરવા બાબતે ઝઘડો કરી, કોઠા વીસોત્રી ગામના કરસન ગોગન નંદાણીયા અને સાગર કરસન નંદાણીયા દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
ખંભાળિયા નજીક કારમાં જઈ રહેલા દંપતિ ઉપર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પાંચવાડી સ્કૂલ પાસે રહેતા નિમેષભાઈ જેન્તીભાઈ કણજારીયા નામના ૨૫ વર્ષના દલવાડી યુવાન તેમના ધર્મપત્ની ક્રિષ્નાબેનને સાથે લઈને તેમને જી.જે. ૧૦ બી.આર. ૬૩૯૯ નંબરની મોટરકારમાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર એક હોટલ પાસે પહોંચતા આ હાઈવે રોડ ક્રોસ કરતી વખતે પોતાની કાર એક બાજુ ઊભી રાખી હતી. તે દરમિયાન આ સ્થળેથી બુલેટ મોટરસાયકલ લઈ નીકળેલા આશિષ ભારવાડીયા નામના યુવાન સાથે જઈ રહેલા અન્ય એક શખ્સે ફરિયાદી નિમેષભાઈની કાર આડે બુલેટ મોટરસાયકલ રાખી દીધું હતું. જેથી નિમેષભાઈએ આરોપીને બુલેટ સાઈડમાં લેવાનો કહેતા ઉશ્કેરાઈને બંને શખ્સોએ તેમની કારના કાચ તોડી, અને બોનેટમાં નુકસાની પહોંચાડી હતી.
આ પછી કારની બહાર આવેલા નિમેષભાઈને બંને શખ્સોએ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ દરમિયાન ફરિયાદીના પત્ની ક્રિષ્નાબેન પણ વચ્ચે આવતા તેણીને પણ આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, માર મારીને નાસી છૂટ્યા હતા. આ પછી અહીં આવેલા અન્ય ત્રીજા આરોપી કુલદીપ નકુમ દ્વારા પણ તેઓને ગાળો કાઢી, માર માર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બઘડાટીમાં આરોપીઓ દ્વારા મોટરકારમાં રૂપિયા ૬૦,૦૦૦ ની નુકસાની કરી, દંપતીને બેફામ માર મારી, ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું આ ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે નિમેષભાઈ કણજારીયાની ફરિયાદ પરથી એક અજાણ્યા સહિત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application