પોલીસ અરજીમાં નામ લખાવવા મામલે કુંભારવાડાના યુવાન પર હુમલો

  • February 02, 2024 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના મંદિર પાસે ટેઈલરની દુકાનના શટર ઉપર કોઈએ ચાણપોદળો નાખેલ જે બાબતે બાજુવાળા સાથે માથાકૂટ થતા તેના વિરુદ્ધ અરજી કરેલી હતી. જે અરજીમાં બિલાલભાઈનું નામ લખાવેલ હતું. તેની દાજ રાખી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી ઈજા કરી તેમજ મને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શહેરના કુંભારવાડા શીતળા માતાજીની દેરી પાસે યુવાન પર હુમલો કરાતા બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. બોરતળાવ પોલીસ મથક ખાતે રાજેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ બનવારીલાલ ચૌહાણ (ઉંમર વર્ષ 48, રહે. કુંભારવાડા, માઢીયા રોડ, બજરંગનગર, ખાર વિસ્તાર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, રાજેન્દ્રભાઈ કુંભારવાડા, અમર સોસાયટી, શીતળા માની દેરી પાસે આવેલ પોતાની દુકાને કામ ઉપર હતા. તે વખતે દુકાનની બાજુમાં રહેતા સાહિલ ઉર્ફે ભોલો મુન્નાભાઈ પાદરશી તથા સોકતભાઈ સતારભાઈ માંકડ દુકાન પાસે આવેલ હતા. જેમાં સાહિલ ઉર્ફે ભોલાના હાથમાં લોખંડનો પાઈપ હતો. અને આ બંને જણા યુવાનને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને સાહિલ ઉર્ફે ભોલોએ કહેલ કે કેમ મારા દાદા બિલાલભાઈ વિરુદ્ધ અરજી કરેલ છે. તેમ કહી સાહિલ ઉર્ફે ભોલો તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે યુવાન પર આડેધડ ઘા મારવા લાગતા જેમાં એક ઘા જમણા કાન ઉપર માથામાં વાગી જતા લોહી નીકળવા લાગેલા જેથી દેકારો થવા લાગતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા સાહિલ ઉર્ફે ભોલો તથા સોકતભાઈ બંને જણા જતા રહેલ હતા. તે દરમિયાન થોડીવારમાં સાહિલ ઉર્ફે ભોલાના પિતાજી મુન્નાભાઈ બીલાલભાઇ પાદરશી આવેલ અને કહેલ કે તું કેમ તેના દીકરાને ગાળો આપે છો, તેમ કહી કહેલ કે હવે જો ઘરના કોઈ છોકરા સાથે માથાકૂટ કરીશ તો તને જીવતો નહીં રહેવા દઉં તેમ ધમકી આપી મુન્નાભાઈ જતા રહ્યા હતા. અને આ મારામારીમાં માથામાં ઇજા થયેલ હોયવાથી 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમાં બેસી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. ઉક્ત બનાવ મામલે ઈજાગ્રસ્ત યુવાનએ સાહિલ ઉર્ફે ભોલો મુન્ના ભાઈ પાદરશી, સોકતભાઈ સતારભાઈ માકડ તથા મુન્નાભાઈ પાદરશી સામે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએ કલામ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application