રતનપર નજીક ઝુરીઓમાં રાબેતા મુજબ ફરી એક વખત શનિવારે લાગી આગ!

  • March 29, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના રતનપર પાસે આવેલી ઝુરીઓમાં ફરી એક વખત આગની ઘટના બની છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી શનિવારે આગ લાગે છે અને આ આગ લગાડનારા  કોણ છે તે અંગે રાબેતા મુજબ વિગતો બહાર આવી નથી.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના રતનપર નજીકની ઝુરીઓમાં શનિવારે સવારે આગ લાગી હતી અને જોતજોતામાં આગના લબકારા ચારેબાજુ ફેલાવા લાગ્યા હતા અને વિશાળ સંખ્યામાં પર્યાવરણ અને પ્રકૃતિનો શોથ વળી ગયો હતો. બનાવની જાણ પોરબંદર મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગને કરવામાં આવતા ફાયરજવાનો મારતે બંબે પહોંચી ગયા હતા અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી ને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ આગ શનિવારે જ લાગી હતી અને આગ લગાડનારાઓ વિષે કોઇ જ માહિતી તંત્ર સુધી પહોંચી નથી. અગાઉ જે રીતે તપાસના નાટક થયા હતા તેવા જ નાટક થાય તેવી શકયતાઓ જણાઇ રહી છે. વાસ્તવમાં પર્યાવરણ અને પ્રકૃતિની  ઘોર ખોદી નાખનારાઓ સામે તંત્ર પગલા લેવામાં કયા ચોઘડીયાની રાહ જુવે છે એ જ શહેરીજનોને સમજાતુ નથી. અનેક વખત આ પ્રકારના બનાવો બન્યા હોવા છતાં પોલીસ તંત્ર, વહીવટીતંત્ર તેના મૂળ સુધી પહોંચ્યુ નથી. તેથી પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધી હોવા છતાં અને લોકોએ લેખિતમાં સ્થાનિકથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં આગ લગાડનારાઓ આબાત આવી હરકતો કરી રહ્યા છે તે તંત્ર માટે પણ હવે શરમજનક હોય તેવુ જણાઇ રહ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application