કુલ્લુ-મનાલીથી મોટરસાયકલ દ્વારા ટ્રેકિંગ માટે નીકળેલા 14 જેટલા ગુજરાતી યુવાઓ સલામત

  • July 12, 2023 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ્લુ-મનાલીથી મોટરસાયકલ દ્વારા ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ જેટલા ગુજરાતી યુવાઓ સલામત છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશોથી હિમાચલ પ્રદેશના રાહત સચિવનો સંપર્ક કરી આ યુવાનો સહિ સલામત હોવાની પુષ્ટિ મેળવી હતી.


હિમાચલ પ્રદેશમાં મનાલી-કુલ્લુથી મોટરસાયકલ દ્વારા ટ્રેકિંગ માટે નીકળેલા ૧૪ જેટલા ગુજરાતી યુવાનો સહિ સલામત છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું છે કે, ગુજરાતના આ યુવાઓ હિમાચલ પ્રદેશના કુલ્લુ - મનાલીના પ્રવાસ દરમિયાન મોટરસાયકલ દ્વારા  આગળ જવા ટ્રેકિંગ માટે નીકળેલા હતા. મહત્વનું છે કે તેમનો સંપર્ક પાછલા બે-ત્રણ દિવસથી કુલ્લુ મનાલીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને કારણે થઈ શક્તો ન હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે રાજ્યના રાહત કમિશનર તંત્રને સાબદુ કરીને આ યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા.


મુખ્યમંત્રીની સૂચનાઓને પગલે રાહત કમિશનર આલોક પાંડે એ હિમાચલ પ્રદેશના  રાહત સચિવ શર્મા સાથે ટેલિફોનિક સંપર્ક કરીને આ 14 યુવાનોની સંપૂર્ણ વિગતો આપી તેમને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. હિમાચલ પ્રદેશના રાહત સચિવે તેમના તંત્રને તત્કાલ યોગ્ય કાર્યવાહીની સૂચનાઓ આપી આ યુવાનોની ભાળ મેળવવા જણાવ્યું હતું.


આજે બુધવારે મોડી  સાંજે હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્માએ ગુજરાતના રાહત કમિશનરનો પુનઃ સંપર્ક કરીને જણાવ્યું હતું કે, કુલ્લુમાં પાછલા દિવસોમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ  અને અંધારપટને કારણે આ યુવાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના રાહત-બચાવ તંત્રને આ યુવાનો સલામત હોવાની વિગતો મળી છે. સ્થિતિ પૂર્વવત થવા લાગતા આ યુવાનોને બહાર લાવવાની વ્યવસ્થાઓ હાથ ધરાશે તેમ તેમણે કહ્યું હતું.


રાહત કમિશનર આલોક પાંડેએ આ ગુજરાતી યુવાનોને પરત લાવવાની વ્યવસ્થાઓ અસરગ્રસ્ત વિસ્તારમાંથી તેઓ બહાર આવી જાય તે પછી કરવામાં પણ હિમાચલ પ્રદેશ સરકાર મદદરૂપ થાય તેવી વિનંતી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application