ચોમાસાની સીઝનમાં રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા જળાશય ઓવરફ્લો થતા હોવા છતાં માત્ર ત્રણ મહિનામાં સરકાર પાસે સૌની યોજના અંતર્ગત સરકાર પાસે નર્મદાના નીર માંગવા પડે છે, શહેરની વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ જળ સ્ત્રોતમાં કોઈ જ વધારો થયો નથી. જેના કારણે રાજકોટ શહેર પાણી માટે સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત રહે છે. આજથી બે માસ પૂર્વે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે શહેરના બે મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં ૩૧૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને ગઈકાલથી આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ચોમાસાની સિઝનમાં આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થાય તો પણ ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને જળાશયોમાં દર વર્ષે ૨૬૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે. આ વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ નર્મદા કેનાલની મરામત કામગીરી હાથ પર લેવાની હોવાના કારણે આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન રાજકોટને નર્મદાના નીર મળે તેમ ન હોવાના કારણે કોર્પોરેશન દ્વારા ૨૬૦૦ એમસીએફટીના બદલે રાજ્ય સરકાર પાસે ૩૧૫૦ એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે.નવા વર્ષના આરંભ એટલે કે તા.૧ જાન્યુઆરીથી તબક્કાવાર નર્મદાના પાણી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. દરમિયાન આજી ડેમમાં ગઈકાલથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સાત એમસીએફટી સુધી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. આજીમાં પ્રથમ તબક્કે કેટલું પાણી લેવું તે અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે.બીજી તરફ ન્યારી ડેમમાં ક્યારથી નર્મદાનું પાણી લેવું તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સંભવતઃ એપ્રિલ માસમાં કોર્પોરેશનની ચૂંટણી યોજવાની હોય ચૂંટણી પરિણામ આવ્યા બાદ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની મરામત કામગીરી હાથ પર લેવામાં આવશે. બે મહિના સુધી રાજકોટને નર્મદાના નીર મળશે નહીં આવવામાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય ન જાય તે માટે બંને ડેમમાં પૂરતા પ્રમાણમાં સૌની અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ નર્મદા કેનાલની મરામતની કામગીરી શરૂ કરવાની હતી પરંતુ ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી કોઈ નવો મુદ્દો ઊભો ન થાય અને શહેરીજેનોને નિયમિત ૨૦ મિનિટ નળ વાટે પાણી મળી રહે તેને ધ્યાનમાં રાખી સરકારે નર્મદા કેનાલની મરામતની કામગીરી એક વર્ષ પાછી ધકેલી હતી. આ વર્ષે કોઈપણ ભોગે બ્રાન્ચ કેનાલનું મેન્ટેનન્સ કરવું જરૂરી હોય ચૂંટણી બાદ શહેરમાં પાણીની પળોજણ ઉભી થવાની પણ શક્યતા નકારી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application