એક વર્ષમાં 13 સ્થળેથી ચીલઝડપ કરનાર બે શખ્સની ધરપકડ, મુદ્દામાલ પોલીસે કર્યો કબજે

  • May 01, 2023 03:16 PM 

ધ્રોલના લૈયારામાં રહેતો તાજીયા ગેંગનો સાગરીત ખાસ કરીને જામનગર રોડ વિસ્તારમાં રેકી કર્યા બાદ અવાવરૂ જગ્યાએ ચીલઝડપ કરતો: અન્ય આરોપી દાગીનાના તાત્કાલિક ઢાળિયા બનાવી વેચી નાખતો: ચેઇન, સોનાના ઢાળિયા, બાઈક સહિત રૂ.6.10 લાખનો મુદ્દામાલ કબજે



એલસીબી ઝોન-૨ ની ટીમને શહેરમાં થયેલા ચીલઝડપના બનાવવાના નેટવર્કને ભેદવામાં મહત્વની સફળતા સાપડી છે. ધ્રોલના લૈયારા ગામે રહેતા તાજીયા ગેંગના સાગરીત સહિત બેને પોલીસે ઝડપી લઇ પૂછતાછ કરતા છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં 13 ચીલઝડપના બનાવોને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. પોલીસે આ બેલડી પાસેથી સોનાનો ચેઇન, આઠ ઢાળિયા અને બાઇક સહિત રૂ.6.10 લાખના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં અને ખાસ કરીને જામનગર રોડ પર બનેલા ચીલઝડપના બનાવવાને લઈ ડીસીપી ઝોન ટુ સુધીરકુમાર દેસાઈની સૂચનાના પગલે એલસીબી ઝોન ટુ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ આ બનાવવાનો ભેદ ઉકેલવા તપાસમાં હતી. દરમિયાન અગાઉ શીતલ પાર્ક, બજરંગવાડી તેમજ જામનગર રોડની આસપાસ થયેલા ચીલ ઝડપના બનાવવામાં એક કાળા કલરનું સ્પેલન્ડર કે જેના નંબર હોય આ બાઈકના ચાલકને ઝડપી લેવા પોલીસે વોચ ગોઠવી હતી અને તે માટે અલગ અલગ ટીમો પણ બનાવી હતી.


દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર પ્રેસ કોલોની પાસેથી આરોપી આસિફ વલીભાઈ ખેરાણી (ઉ.વ 34 રહે લૈયારા તા. ધ્રોલ) અને ગોવિંદ કુરજીભાઈ ધામેચા (ઉ.વ 45 રહે ચામુંડા પ્લોટ ધ્રોલ)ને ઝડપી લીધા હતા. પોલીસે આ બેલડી પાસેથી સોનાનો ચેઇન, સોનાના આઠ ઢાળિયા, બાઇક મોબાઇલ સહિત કુલ રૂપિયા 6.10 લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો.


પકડાયેલી આ બેલડીની પૂછતાછ કરતા છેલ્લા એક વર્ષ દરમિયાન તેણે રાજકોટમાં ખાસ કરીને જામનગર રોડ આસપાસના વિસ્તારમાં ૧૩ ચીલ ઝડપના બનાવોને અંજામ આપ્યા હોવાની કબુલાત આપી હતી. જે પૈકી છ મા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી આસિફ કે જે તાજીયા ગેંગનો સાગરીત હોય અને આગાઉ રાયોટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોય રાજકોટમાં આવી ચીલ ઝડપ કર્યા બાદ અન્ય આરોપી ગોવિંદાને આ દાગીના આપી દેતો હતો અને તે ધૂળધોયો હોય જેથી તાત્કાલિક આ દાગીનાના ઢાળિયો બનાવી વેચી નાખતો હતો. આ અંજામ આપ્યો છે કે કેમ ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


એક વર્ષ દરમિયાન રાજકોટમાં કયાં કયાં ચીલઝડપ કરી?


આસિફે એક વર્ષ દરમિયાન રાજકોટમાં 13 ચીલઝડપના બનાવોને અંજામ આપ્યો હોય જેમાં 20 દિવસ પૂર્વે શીતલ પાર્ક મેઇન રોડ પર, 11 મહિના પૂર્વે પણ અહીં જ આઠ માસ પૂર્વે જામનગર રોડ પર, બજરંગવાડી સંસ્કારધામ સ્કૂલની સામે, છ મહિના પૂર્વે આજ વિસ્તારમાં, આજ સમયગાળા દરમિયાન શીતલ પાર્ક મેઇન રોડ પર, ચાર માસ પૂર્વે રૈયા ગામથી સ્મશાન તરફ, પાણીના સંપ પાસે, ચાર મહિના પૂર્વે રૈયા ગામથી નવા રીંગ રોડ તરફ, ત્રણ મહિના પૂર્વે સાંઢીયા પુલથી ભોમેશ્વર જવાના કાચા રસ્તા પર, મોચી નગર 6 રાજીનાગર તરફ જવાના રસ્તા પર, પોણા બે માસ પૂર્વે રેલનગર તરફ જવાના રસ્તા પર અંડર બ્રિજ પાસે, દોઢ માસ પૂર્વે શીતલ પાર્ક સ્ટેશન પાસે, એક મહિના પૂર્વે લાખના બંગલા પાસે અને દસ દિવસ પૂર્વે સાધુ વાસવાણી રોડ વાડીવાળા ક્વાર્ટર નજીક ચીલ ઝડપના બનાવને અંજામ આપ્યો હતો.


સીસીટીવી ન હોય તેવી જગ્યાએ ખાસ કરીને કપલને જ નિશાન બનાવતો


પોલીસે આરોપીની મોડેસ ઓપરેન્ડી અંગે જણાવ્યું હતું કે, આસિફ ચીલ ઝડપ કરતાં પૂર્વે આજુબાજુના વિસ્તારની રેકી કરતો ખાસ કરીને અંધારું તેમજ અવાવારૂ જગ્યા હોય લોકોની અવરજવર ઓછી હોય અને સીસીટીવી કેમેરા ન હોય તેવી જગ્યા પસંદ કરતો હતો. બાદ બાદ બીજા દિવસે આ સમયગાળામાં અહીં ફિરાકમાં રહેતો હતો અને ખાસ કરીને વાહનમાં નીકળનાર કપલને જ નિશાન બનાવતો હતો જેથી તે તેનો આસાનીથી પીછો ન કરી શકે ચીલ ઝડપ કર્યા બાદ તે હાઇવે તેમજ આજુબાજુના વિસ્તારના રસ્તાનો ઉપયોગ કરી પોતાના ગામ તરફ નાસી જતો હતો. ત્યારબાદ અન્ય આરોપી ગોવિંદને ચોરી કરેલ આ દાગીના આપી તાત્કાલિક ઢાળીઓ બનાવી વેચી નાખતા હતા.


અલગ અલગ ટીમો બનાવી 70 થી વધારે ફૂટે ચકાસી આરોપીને પકડ્યા


પોલીસે શીતલપાર્ક અને બજરંગ વાડી વિસ્તારમાં બનેલા ચીલ ઝડપના આ બનાવોને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ માટે અલગ અલગ ટીમો બનાવી 70 થી વધુ સ્થળોએ સીસીટીવી ફૂટેજ ચકાસી કુનેહપૂર્વક ચીલ ઝડપ કરનાર આ શખ્સને ઝડપી લીધો હતો. આ કામગીરીમાં એલસીબી ઝોન-૨ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરીમં હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ જયંતિગીરી ગોસ્વામી, અમીનભાઈ ભલુર,જયપાલસિંહ સરવૈયા અને ધર્મરાજસિંહ ઝાલા,મનીષ સોઢીયા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application