બે મુખ્યમંત્રીઓની ધરપકડ વિપક્ષને એક કરનાર બનશે?

  • April 02, 2024 10:58 AM 

બે મુખ્યમંત્રીઓની ધરપકડ અને ઇન્કમ ટેક્સ ખાતાની વધુ પડતી કાર્યવાહીથી વિપક્ષને લાભ થશે? શું વેરવિખેર થઇ ગયેલા વિપક્ષ માટે આ મુદ્દા એક તાંતણે બાંધનાર સાબિત થશે? દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ’લોકતંત્ર બચાવો રેલી’માં તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરક ઓ બ્રાયને કરેલા નિવેદનનો ઉલ્લેખ વિશેષ જરૂરી છે. તેમણે કહ્યું કે ટીએમસી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હતી, છે અને રહેશે. હમણા સુધી તૃણમૂલ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનથી દુર રહેતી હતી. બે મુખ્યમંત્રીઓણી ધરપકડ બાદ તેના વલણમાં પરિવર્તન આવ્યું છે. જોકે, આ નિવેદનને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ સાથે જોડવાથી કેટલાય અર્થ સરવા લાગે છે. કોંગ્રેસના આ વયોવૃદ્ધ નેતાએ પોતાના ભાષણના અંતમાં કહ્યું, પહેલા એક થવાનું શીખો, એકબીજાને તોડવાનું ના શીખો. રામલીલા મેદાનમાં પણ રવિવારે આપ અને કોંગ્રેસના કાર્યકરો અલગ-અલગ સમૂહોમાં ઊભેલા જોવા મળ્યા. આપના કાર્યકરોની પીળી ટીશર્ટ અને ટોપીઓ મેદાનમાં મોટા પ્રમાણમાં જોવા મળી અને તેઓ પાણી વહેચવાથી લઈને લોકોને રસ્તો બતાવતાં પણ નજરે પડ્યા. સરકારને જો એવું લાગ્યું હોય કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની કથિત શરાબ નીતિ કૌભાંડમાં કરાયેલી ધરપકડ વિપક્ષ પર દબાણ ઊભું કરી શકશે તો રવિવાર રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં એવું કંઈ ના દેખાયું. લોકતંત્ર બચાવો રેલીના નામે કરાયેલા આ આયોજનમાં તામિલનાડુથી લઈને કાશ્મીર અને મહારાષ્ટ્ર સુધીનાં રાજકીય દળો ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં એકજૂથ જોવાં મળ્યાં અને કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધીમાં તો રામલીલા મેદાન ખીચોખીચ ભરાઈ પણ ગયું. નેતાઓએ સરકાર વુંદ્ધના દરેક મુદ્દા પોતાના ભાષણોમાં ઉઠાવ્યા. એ વાતનો પણ ઉલ્લેખ થયો જેમાં ૬૦૦થી વધારે વકીલોએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ન્યાયપાલિકા પર દાગ લગાડવાનો આરોપ લગાડ્યો છે. આ પત્ર વકીલોએ દેશની સર્વોચ્ચ અદાલતના એ નિર્ણય બાદ લખ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરકાયદે ગણાવ્યા હતા અને બોન્ડ જાહેર કરનારી કંપની સ્ટેટ બેન્કને આદેશ આપ્યો હતો કે તે બોન્ડ અને એના સંબંધિત તમામ જાણકારીઓ જાહેર કરે. એના બાદ એ પ્રકારના અહેવાલો આવ્યા હતા કે કેટલીય કંપનીઓએ દરોડા અને ધરપકડ બાદ ભાજપને ભંડોળ આપ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે ઇડી અને અન્ય એજન્સીઓ દ્વારા દબાણ ઊભું કરવાના લીધે ભંડોળ મળ્યું છે. આ જ રામલીલા મેદાનમાં ૨૦૧૦-૨૦૧૧માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ અને સામાજિક કાર્યકર અન્ના હજારે તથા અન્ય લોકોએ ધરણાપ્રદર્શન અને ઉપવાસ કર્યાં હતાં. એ વખતે કોંગ્રેસની મનમોહન સરકાર હતી.
કોંગ્રેસી કાર્યકરોનું જોર ભીડ પૂરતું જ સમિત હતું. પાણી પીવડાવવા સુધીનું કામ આપના કાર્યકરો કરી રહ્યા હતા. એવામાં દિલ્હીથી અડીને આવેલા ઉત્તર પ્રદેશમાંથી સપાનો કોઈ પણ સ્વયંસેવક ના દેખાયો. એટલું જ નહીં, તમામ વચનો છતાં વિપક્ષી એકજૂથતા અને એના ચહેરા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી દેખાઈ રહી. ચૂંટણીના મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ જ વિપક્ષી ગઠબંધન માટે મોટો પડકાર છે. રેલીથી બીજું કાઈ સિદ્ધ ભલે ન થયું હોય, વિપક્ષને એક થવાનું એક બહાનું મળ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application