કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ૨૭ ભારતીય નાગરીકના મૃત્યુ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદુર હાથ ધરી પીઓકેમાં ૯ આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવામાં આવ્યો હતો, જેના પ્રત્યુતરમાં પાકિસ્તાન દ્વારા વળતો મીસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, આથી ગુરૂવારે રાત્રીના આ હુમલાને પગલે ભારત-પાકિસ્તાન સરદહે તંગદીલી વધી હતી, જેના પગલે સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ દેવભુમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે સેનાએ મોરચો સંભાળ્યો હતો.
બીજીબાજુ જગતમંદિરે સુરક્ષા-વ્યવસ્થામાં વધારો કરી લોખંડી બનાવવામાં આવી હતી અને ફકત જગત મંદીરમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું હતું. તમામ માછીમારી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. આરોગ્ય સહિત જીવન જરૂરી સેવા અને વસ્તુઓનો પુરવઠો પુરતા પ્રમાણમાં લોકોને મળી રહે તે માટે દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.
પાકિસ્તાને ગુવારે રાત્રીના ગુજરાત સહિત દેશના સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મીસાઇલ વડે હુમલો કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આવ્યો હતો, આ હુમલાને પગલે ભારત-પાકિસ્તાન સરહદે તંગદીલી વધી છે, ખાસ કરીને જમીન અને દરિયાઇ સરહદે આવેલા જિલ્લા અને ગામડાઓમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, દેવભુમિ દ્વારકા જિલ્લો પણ દરિયા કિનારે આવેલો હોય ગુરૂવારે રાત્રીના દ્વારકા જિલ્લામાં રાત્રીના ફકત જગત મંદીરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, પાકિસ્તાનના હુમલા બાદ સેનાએ દ્વારકાના દરિયા કિનારે મોરચો સંભાળ્યો છે. જગતમંદિરના સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી લોખંડી બનાવવામાં આવી છે.
આટલું જ નહીં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ સહિતના સ્થળોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, યુઘ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને આરોગ્ય સહિતની જીવન જરૂરી વસ્તુઓ અને સેવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અને ગમે તે સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહિવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે અને તકેદારીના પગલા લેવાના શ કરવામાં આવ્યા છે. તદુપરાંત ગુરૂવારે બપોર બાદથી જ દરિયામાં રહેલી તમામ માછીમારી બોટોને પરત ફરવા આદેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે તમામ બોટ પરત ફરી છે.
રાત્રીના દરિયાકીનારો ખાલી કરાવવામાં આવ્યો
ગુરૂવારે રાત્રીના ભારત-પાકિસ્તાન સરહદે તંગદીલી વધતા દ્વારકા દરિયા કિનારે સેનાએ કમાન સંભાળી હતી, જેના પગલે રાત્રીના દરિયા કિનારો ખાલી કરાવાયો હતો અને દરરોજ દરિયા કિનારે આવાગમન કરતા અને બેસતા લોકોને પરત ફરવા જણાવાયું હતું. ભારત-પાક. સરહદે તંગદીલી વધતાં દરિયામાં અને દરિયા કિનારે બંને સ્થળોએ સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
જગતમંદિર સહિતની તમામ લાઇટો બંધ કરાઇ
પાકિસ્તાને ગુરૂવારે રાત્રીના મીસાઇલ અને ડ્રોનથી હુમલો કરતા વધેલી તંગદીલીના પગલે દેવભુમિ દ્વારકા જિલ્લામાં જગતમંદિરમાં તકેદારીના ભાગરૂપે તમામ લાઇટો બંધ કરવામાં આવી હતી, આટલું જ નહીં યાત્રાધામ અને જિલ્લાના સંવેદનશીલ સ્થળો તથા ટાપુ પર સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
દ્વારકામાં ૫ અને જામનગરમાં ૧૫ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
ભારત-પાકિસ્તાન સરહદે વધેલી તંગદીલીને સ્થિતિને લઇને દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આરોગ્ય સેવામાં વધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લાને ૫ અને જામનગર જિલ્લાને નવી ૧૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. તદુપરાંત હોસ્પિટલોમાં પણ અલાયદા વોર્ડ અને સ્ટાફ રાખવામાં આવ્યા છે.