ભેંસો ચરાવવા બાબતે આંબલા ગામે સશસ્ત્ર જૂથ અથડામણ

  • October 17, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામસામા પક્ષે સાત સામે ફરિયાદ



ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામ નજીક આવેલા આંબલા વિસ્તારમાં રવિવારે બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી જવા પામી હતી. જેમાં લાકડી, દાતરડા વિગેરે જેવા હથિયારોનો ઉપયોગ થયો હતો. આ પ્રકરણમાં બંને પક્ષે સામ-સામે કુલ સાત શખ્સો સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા હારુનભાઈ હાજીભાઈ સંઘાર નામના 30 વર્ષના સુન્ની મુસ્લિમ યુવાનની વાડીના શેઢે આરોપી તારમામદ ઈશાભાઈ ગજણ ભેંસો લઈને ચરાવવા માટે ગયો હતો. ત્યારે ફરિયાદી હારુનભાઈએ તારમામદને વાડીના છેડે ભેંસો ચરાવવાની ના પાડતા આ બાબતથી ઉશ્કેરાયેલા તારમામદ ઈશાભાઈ ગજણ, સાજીદ હુસેન ભટ્ટી અને ઈસ્માઈલ હુસેન ભટ્ટી નામના ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા દાતરડા વાળે હુમલો કરીને ફરિયાદી હારુનભાઈ તથા તેમના પિતા, નાનાભાઈ ફારૂક તેમજ સાહેદ અબ્બાસને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


સામા પક્ષે સંધી તારમામદ ઈશાભાઈ ગજણ (ઉ.વ. 40, રહે. નાના આંબલા) એ હારુનભાઈ હાજીભાઈ, અબ્બાસ મામદભાઈ, ફારૂક હાજીભાઈ અને હાજીભાઈ ઈશાભાઈ નામના ચાર શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તારમામદભાઈ પોતાની વાડીની બાજુમાં આવેલી એક આસામીની વાડીમાં ભેંસો ચરાવી રહ્યા હતા. ત્યારે આરોપીઓએ "આ જમીન અમારી છે. તારો દીકરો જરીફ સાથે આ જમીન બતાવવા કેમ આવેલો હતો?" તેમ કહી, બિભત્સ ગાળો કાઢી હતી. જેથી ફરિયાદી તારમામદભાઈએ ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ ધારીયા, લાકડી, રાપડી વિગેરે જેવા હથિયારો વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બઘડાટીમાં ઘવાયેલાઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે આઈપીસી કલમ 323, 324, 326, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application