રાજકોટમાં પિતા–પુત્રો પર સશસ્ત્ર હુમલો, પિતાની હત્યા, ચારને ઈજા

  • August 12, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ઢેબર કોલોની મેઈન રોડ પર રહેતા અને ઘર નજીક જ પાનની કેબીન ધરાવતા શ્રમીક યુવાન વિકકી સુરેશભાઈ સોલંકી ઉ.વ.૨૫ તથા તેના પિતા સુરેશભાઈ દુલાભાઈ સોલંકી ઉ.વ.૪૫, ભાઈઓ પ્રકાશ, અર્જુન પર પાડોશમાં રહેતા કુખ્યાત શખસ રાજુ બાબુ સોલંકી અને તેના પરિવારના નવ સભ્યોએ ઘાતક હથીયારો વડે સશસ્ત્ર ખુની હુમલો કરી સુરેશની હત્યા નિપજાવ્યાનો બનાવ ભકિતનગર પોલીસ મથકે નોંધાયો છે. સરાજાહેર હુમલા, તોડફોડની ઘટનાથી વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. બે પોલીસ મથકની પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સિવિલ હોસ્પિટલે પણ રાત્રે ટોળું ઉમટયું હતું.બનાવની વિગત મુજબ વિકકી તથા તેના પિતા સુરેશભાઈ બન્ને ભાઈઓ ગત રાત્રે કેબીને બેઠા હતા. એ સમયે કેબીન નજીક લોહાનગરમાં રહેતો વિજય રામદાસ અને પાડોશમાં ઢેબર કોલોનીમાં રહેતો રાજુ બાબુ સોલંકી બન્ને ઝઘડો કરતા હતા. વિકકી અને તેના પિતાએ વચ્ચે પડીને બન્નેને છોડાવ્યા હતા. બન્ને ત્યાંથી ચાલ્યા ગયા હતા. પિતા–પુત્રો ફરી કેબીનની બાજુમાં જે બેસીને ઘરની વાતચીત ચર્ચા કરી રહ્યા હતા. થોડીવારના અરસા બાદ રાજુ અને તેની સાથે તેના પરિવારના નવ સભ્યો તિક્ષણ હથીયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા.

બનાવ અંગેની ઈજાગ્રસ્ત વિકકી સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં બન્નેને ઝઘડો કરતા છૂટા પાડયા હતા. બાદમાં રાજુ ઘરે જતો રહ્યો હતો અને તેના પરિવારના ભાઈઓ ભીમો, પ્રકાશ, ભત્રીજો ભીમાનો પુત્ર શૈલેષ, નિલેષ અન્ય પરીચીત અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજી સાથે ઘાતક હથીયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓ પૈકી ભીમાના હાથમાં તલવાર હતી. પ્રકાશના હાથમાં લોખંડનો પાઈપ, રાજુ, ધના, ભીમાના છોકરો નિલેષ પાસે પણ પાઈપ હતા. અનિલ, યોગેશ, શૈલેષના હાથમાં ધોકા હતા. અરવિંદ પાસે છરી હતી. નવે શખસોએ મળી સશસ્ત્ર ખુની હુમલો કર્યેા હતો.

ચારેય પિતા–પુત્ર જીવ બચાવવા ભાગ્યા હતા. ફાટક તરફ ભાગ્યા પરંતુ પીછો કરી આંતર્યા હતા. ભીમાએ તલવારના પિતા સુરેશ તથા પોતાના વિકકી પર ઘા ઝીંકયા હતા. સુરેશભાઈને તલવારના માથાના ભાગે બે–ત્રણ ઘા ઝીંકી દેતાં તે ત્યાં જ લોહીલોહાણ હાલતમાં ઢળી પડયા હતા. અન્ય શખસોએ પણ પાઈપ, છરી, ધોકાના ઘા ઝીંકયા હતા. ભીમાએ પ્રકાશને પણ માથાના તથા કાનના ભાગે તલવાર ઝીંકી દીધી હતી. ખુલ્લ ેઆમ ઘાતકી શોના ઘા ઝીંકતા ભાગદોડ થઈ ગઈ હતી. તુરતં જ પોલીસ દોડી આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ચારેય પિતા પુત્રો સુરેશ દુલા સોલંકી, વિકકી, અર્જુન, પ્રકાશને સારવારમાં રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલા સુરેશ સહિતનાની તાત્કાલીક શસ્ત્રક્રિયા હાથ ધરી હતી. ભકિતનગર પીઆઈ એમ.એમ.સરવૈયા, નિલેષ મકવાણા સહિતના સ્ટાફે ઈજાગ્રસ્ત વિકકીની ફરિયાદ પરથી રાજુ સહિતના નવ હુમલાખોરો સામે રાત્રે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓ પૈકીનાને સકંજામાં લીધા હતા. સારવાર દરમિયાન મોડીરાત્રીના સુરેશનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.


ઢેબર કોલોની દેશી દારૂ સહિતની બદીઓનો અડ્ડો
જયાં ઘટના ઘટી તે બન્ને પરિવાર ઢેબર કોલોનીમાં રહે છે. આ શ્રમીક વસાહત દેશી દારૂ અને અન્ય બદીઓનો અડ્ડો કહેવાય છે. પોલીસે આવા તત્વો નશામાં ભાન ભુલીને સમયાંતરે સરાજાહેર માથાકુટ કરતા હોય કે, અન્ય નિર્દેાષ રાહદારીઓ, વાહન ચાલકોને પણ ખોટી રીતે હેરાન કરતા રહે છે. આસપાસના અન્ય રહેણાંક વિસ્તાર ધંધાર્થીઓમાં ઢેબર કોલોનીની બદીને ડામવાની જરૂર હોવાની ગઈકાલની ઘટના બાદ વધુ એક વખત માગણી ઉઠી છે.


રાહદારીઓમાં પણ નાસભાગ થઈ
કોઈ ડર જ ન હોય અથવા તો નશામાં ભાન ભુલ્યા હોય એ રીતે ખુલ્લ ા ઘાતક હથીયારો સાથે ટોળું ઢેબર કોલોનીથી પીડીએમ કોલેજ તરફ દોડયું હતું. આ દ્રશ્યો જોઈને રાહદારીઓમાં પણ નાસભાગ થઈ ગઈ હતી. થોડી જ વારમાં માલવીયાનગર તથા ભકિતનગર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ટોળાએ રીક્ષા, બાઈક સહિતના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.


જીવ બચાવવા રેલવે ફાટક ઠેંકીને ભાગ્યા છતાં આંતરી લઈને હુમલો કર્યેા
ઘાતકી હથીયારો સાથે ધસી આવેલા નવ શખસોથી જીવ બચાવવા ચારેય પિતા પુત્ર પીડીએમ ફાટક ફલાંગીને ભાગ્યા હતા. ટોળાએ ચારેયનો પીછો કરી ફાટક આગળ આંતરી લઈ સરાજાહેર ઘા ઝીંકયા હતા. બનાવ સ્થળે લોહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application