BREAKING NEWS

ફરી મહાયુદ્ધના ભણકારાઃ હોર્મુઝ પાસે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી સૈન્ય સંઘર્ષ

  • June 06, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલો તણાવ હવે અત્યંત વિસ્ફોટક અને ખતરનાક સપાટીએ પહોંચી ગયો છે. વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પૈકીના એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' નજીક અમેરિકા અને ઈરાનની સેનાઓ સામસામે આવી ગઈ છે અને બંને વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા અને ફાયરિંગના જવાબમાં અમેરિકન સેનાએ અત્યંત આક્રમક વળતો પ્રહાર કર્યો છે. આ સૈન્ય ટકરાવને કારણે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી સીઝફાયર (યુદ્ધવિરામ) ની ગુપ્ત મંત્રણાઓ પર હવે જોખમના વાદળો ઘેરાયા છે.

ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી 'મેહર' ના અહેવાલો અનુસાર, હોર્મુઝ પ્રદેશ નજીક અમેરિકન નૌકાદળના યુદ્ધજહાજોની શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક હિલચાલ જોવા મળી હતી. આ હિલચાલને પગલે ઈરાની સેનાએ પોતાની સાર્વભૌમત્વની રક્ષા અને 'ચેતવણી' ના ભાગરૂપે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈરાન દ્વારા આ ફાયરિંગ તેના વ્યૂહાત્મક બંદર શહેર 'બંદર અબ્બાસ' ના દરિયાકાંઠાથી થોડે દૂર આવેલા લારેક દ્વીપ નજીક કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સમગ્ર દરિયાઈ વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો.

બીજી તરફ, અમેરિકન સંરક્ષણ વિભાગે ઈરાનના આ દાવાઓ વચ્ચે પોતાના આક્રમક સૈન્ય ઓપરેશનની વિગતો જાહેર કરી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાને હોર્મુઝ જળમાર્ગ તરફ અનેક એટેક ડ્રોન લોન્ચ કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે  એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાહનો અને વેપારી જહાજોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકન સેનાએ ઈરાનના 4 ઘાતક હુમલાખોર ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. એટલું જ નહીં, ભવિષ્યના સંભવિત હુમલાઓને રોકવા માટે આત્મરક્ષાના ભાગરૂપે અમેરિકાએ ગોરુક અને કેશમ દ્વીપ પર સ્થિત ઈરાનની તટીય દેખરેખ રડાર સાઇટ્સ પર ભારે બોમ્બમારો કરીને તેને સંપૂર્ણપણે તબાહ કરી દીધી છે. જોકે, ઈરાની મીડિયાએ બંદર અબ્બાસ પર કોઈ પણ પ્રકારના સફળ અમેરિકન હુમલાના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.

આ ભયાનક સૈન્ય અથડામણની થોડી જ ક્ષણો પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અગ્રણી ટીવી ઈન્ટરવ્યુમાં ઈરાનની સૈન્ય તાકાતને લઈને મોટો દાવો કર્યો હતો. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક પ્રતિબંધો અને લશ્કરી સંઘર્ષોના કારણે ઈરાનની સૈન્ય ક્ષમતા ભારે નબળી પડી ચૂકી છે. હાલની સ્થિતિએ ઈરાન પાસે તેની મૂળ ક્ષમતાના માત્ર 21 ટકાથી 22 ટકા જેટલી જ મિસાઈલો બચી છે. કુવૈતના મુખ્ય એરપોર્ટ પર ઈરાની ડ્રોન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલા અને આ તાજા સૈન્ય ઘર્ષણ છતાં ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તેમનું વહીવટીતંત્ર આ વૈશ્વિક વિવાદનો સફળતાપૂર્વક અંત લાવશે. તેમણે પત્રકારો સમક્ષ આત્મવિશ્વાસ સાથે દૃઢતાપૂર્વક કહ્યું કે, "આપણે ગમે તે રીતે જીતીશું".

આ દરમિયાન ઈઝરાયલ અને લેબેનોન સરહદે પણ પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં દાવો કર્યો હતો કે લેબેનોન સરકાર અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર પર સહમતિ બની ગઈ છે, પરંતુ ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ આ કરારને ફગાવી દઈને ફરીથી ઈઝરાયલ પર રોકેટ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને અમેરિકા સામે કડક શરત મૂકી છે કે જ્યાં સુધી લેબેનોન અને ગાઝા પર ઈઝરાયલના સૈન્ય હુમલા સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ ખોલવા કે વૈશ્વિક સીઝફાયર કરવા અંગે કોઈ પણ પ્રકારની સંમતિ આપવામાં આવશે નહીં. લેબેનોન અને હોર્મુઝ પ્રદેશમાં ચાલી રહેલી આ લડાઈ હવે વૈશ્વિક તેલના વેપાર અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન માટે ગંભીર ખતરો બની ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચવાની આશંકા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application