ન્યુ જાગનાથમાં આડેધડ ખોદકામથી રોષ ભભુક્યો

  • May 10, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા ન્યુ જાગનાથ અને જુના જાગનાથ વિસ્તારમાં લગાતાર છેલ્લા એક મહિનાથી આડેધડ બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું હોય આ વિસ્તારના દુકાનદારો તેમજ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને યાજ્ઞિક રોડ ઉપર સરદાર નગર મેઇન રોડથી ન્યુ જાગનાથ પ્લોટ-૨૦ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યા બાદ ન્યુ જાગનાથની શેરીઓમાં વાહનોનો ટ્રાફિક વધી જતા ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. ન્યુ જાગનાથ પ્લોટની સાંકડી શેરીઓમાં ઉંબરે ઉંબરે ખાડા ખોદતાં ઘરમાં વાહનો લેવા મુશ્કેલ બન્યા છે જેના પગલે મહાપાલિકા તંત્ર સામે રોષ ભભુક્યો છે. ન્યુ જગનાથની શેરીઓમાં જો હવે ૨૪ કલાકમાં યોગ્ય પધ્ધતિથી પુરાણ ન કરાય તો દુકાનદારો અને રહીશોની સોમવારે મહાપાલિકા કચેરીએ ટોળા સ્વરૂપે ધસી જશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

ન્યુ જાગનાથ અને જૂના જાગનાથ વિસ્તારમાં પીવાના પાણી માટેની પાઇપલાઇન વર્ષો જૂની હોય અને અવારનવાર લીકેજ થતી હોય તેવા કારણોસર તે પાઇપલાઇન બદલીને તેના સ્થાને ડક્ટ આયર્નની નવી પાઇપલાઇનનું નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે જેના કારણે જાગનાથ વિસ્તારની તમામ શેરીઓ ખોદી નાખવામાં આવી છે. પાઇપલાઇન બદલવા માટે શેરીઓ ખોદવી પડે તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કર્યા વિના આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમજ ખોદકામ પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે પદ્ધતિસર પુરાણ કરવામાં આવતું ન હોય તેના કારણે રહેવાસીઓ પોતાના વાહનો પણ મકાનની અંદર લઈ શકતા નથી તમામ શેરીઓમાં આવેલા મકાનોના આંગણા ખોદી નાખવામાં આવ્યા હોય અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા રહે છે.

જાગનાથમાં શેરીઓનું ખોદકામ શરૂ કરવામાં આવ્યા બાદ સર્વેશ્વર ચોકના વોંકળાના કામે સરદાર નગર મેઇન રોડથી ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ સુધીનો યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવ્યો જેના પરિણામ સ્વરૂપે ન્યુ જાગનાથ-૨૦ સહિતની શેરીઓમાં સતત ટ્રાફિક બધી રહ્યો છે, એક તરફ ખોદકામ ચાલી રહ્યું છે. બીજી બાજુ ખોદકામ પૂર્ણ થયું હોય ત્યાં પુરાણ કરાતું નથી અને આ બંને સ્થિતિ વચ્ચે ટ્રાફિક સતત વધી રહ્યો છે જેના કારણે જાગનાથની શેરીઓમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે.

સૌથી વધુ પરેશાની તો જાગનાથ પ્લોટના રહીશો ભોગવી રહ્યા છે, તેઓ પોતાના વાહનો પોતાના ઘરની અંદર લઇ શકતા નથી તેમજ ઘરમાં આવતા-જતા પણ ખુબ ધ્યાન રાખવું પડે છે કારણ કે ખોદકામ કર્યા બાદ ખાડા ખુલા મુકાયા છે અને જ્યાં પુરાણ કરવામાં આવ્યું છે ત્યાં ફક્ત ઉપર માટી નાખી દેવામાં આવી છે યોગ્ય પધ્ધતિસર પુરાણ કરાયું ન હોય વાહનો ખુંપી જાય છે. દરરોજ અનેક ટુ વહીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જ્યારે આવી સ્થિતિને કારણે દુકાનદારોને ત્યાં તો ગ્રાહકો આવતા બંધ થઇ ગયા હોય વેપારીઓ નવરાધુપ બેસવાનો વારો આવ્યો છે.

હવે ટૂંક સમયમાં ચોમાસુ બેસી જશે ત્યારે વોર્ડ નં.૭ના કોર્પોરેટરો ન્યુ જાગનાથની શેરીઓની વિઝીટ કરે અને તાત્કાલિક ધોરણે શેરીઓ અને મેઇન રોડ રિપેર કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application