ખંભાળિયામાં નવરાત્રી પર્વ પૂર્વે અનેરો થનગનાટ

  • September 26, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેલકમ નવરાત્રી તથા ગરબા મહોત્સવના આયોજનો: પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે સોમવારે થનગનાટ ગરબા મહોત્સવ


નવરાત્રીના ઉમંગ ઉત્સાહના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખંભાળિયામાં ઠેર ઠેર નવરાત્રીના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. અહીં વિવિધ ગરબા મંડળ તેમજ ઉત્સવ સમિતિઓ દ્વારા રાસ ગરબાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેને માણવા લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.


ખંભાળિયા નજીકના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ નવરાત્રી પૂર્વે ગરબા શોખીન લોકો દ્વારા પારિવારિક નવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આ વિસ્તારની ધી પ્રેસિડેન્ટ સ્કૂલના વિશાળ પટાંગણમાં થનગનાટ નવરાત્રી ગરબા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ આયોજનમાં આગામી સોમવાર તારીખ 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યાથી વિશાળ અને પારિવારિક વેલકમ નવરાત્રી મહોત્સવ થનગનાટ માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


જેમાં એક લાખ વોલ્ટની અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે જાણીતા કલાકારો ગરબા શોખીનોને ડોલાવશે. અહીં સંસ્કૃતિ અને સભ્યતાના સમન્વય સાથે પારંપરિક રાસ ગરબા નિહાળવા આવતા પ્રેક્ષકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં સામાજિક, શૈક્ષણિક, રાજકીય, સેવાકીય વિગેરે તમામ ક્ષેત્રના સદગૃહસ્થો જોડાશે.


આ માટે શિક્ષણવિદ્દ માહીભાઈ સતવારા, સહિતના આયોજકો, સહયોગીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ રાસોત્સવને નિહાળવા માટે સહભાગી થવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application