જામનગરના વેરા વિભાગના એક અધિકારીએ રૂા.૫૦ લાખનો તોડ કર્યાનો ધડાકો..!
જામનગરના વેરા વિભાગના એક અધિકારીએ રૂા.૫૦ લાખનો તોડ કર્યાનો ધડાકો..!
April 01, 2026 06:19 PM
રાજયમાં વેરા અધિકારીઓની સીન્ડીકેટ દ્રારા બેફામ અને ખુલ્લેઆમ ચોકકસ મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટ્રાચાર આચરી સરકારી તિજોરીને કરવામાં આવી રહેલા નુકસાનની પીએમઓ ઓફીસ, સીબીઆઇ સહીતની મહત્વની એજન્સીને કરવામાં આવતા હડકપં મચી ગયો છે. આ ૨૦ પાનાના ફરિયાદના લેટર બોમ્બમાં જામનગરના વેરા વિભાગના એક અધિકારીએ રૂા.૫૦ લાખનો તોડ કર્યાનો ઘડાકો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં ફરિયાદમાં કેવી રીતે શહેરમાં વેરા ચોરીના પ્રકરણમાં વેપારીને પ્રથમ નોટીસ ઇસ્યુ કર્યા બાદ મસમોટો તોડ કરી વડી કચેરીના અધિકારીઓને રોકડની મલાઇ પહોંચાડી ભીનું સંકેલવામાં આવ્યું છે તે મોડસ ઓપરેન્ડી પણ રજૂ કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજયમાં કેવી રીતે વેરા અધિકારીઓની સીન્ડીકેટ દ્રારા નિયમોની આટીઘૂંટી, આખં આડા કાન, તપાસમાં છટકબારી રાખી જુદી–જુદી મોડસ ઓપરેન્ડી દ્રારા સુઆયોજનબધ્ધ રીતે કરચોરી કરાવી તોતીંગ ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો છે તેની આધાર–પુરાવા સાથે પીએમઓ સહીત મહત્વની તપાસનીશ એજન્સીઓને ફરિયાદ કરવામાં આવી છે. ૨૦ પાનાના આ લેટર બોમ્બના પગલે વેરા વિભાગના એક ઉચ્ચ અધિકારી સામે તાકીદની અસરથી આકારા પગલાં લેવાયા છે. આ લેટર બોમ્બમાં જામનગરના વેરા વિભાગના એક અધિકારીએ કઇં મોડસ ઓપરેન્ડી અપનાવી રૂા.૫૦ લાખનો તોડ કર્યા તેનોે ઘટસ્ફોટ કરવામાં આવતા હડકપં મચી ગયો છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર જામનગરના એક વેપારીની કરચોરીમાં સંડોવણી ખુલતા તેને નોટીસ ઇસ્યુ કરી તેને રૂા.૪.૨૫ કરોડથી વધુનો દડં ભરવા આદેશ કરાયો હતો. પરંતુ ત્યારબાદ અધિકારીઓની સીન્ડીકેટનો ભ્રષ્ટ્રાચારનો ખરો ખેલ શરૂ થયો હતો. કારણ કે, વેપારીએ રૂા.૧.૩૫ કરોડથી વધુનો દડં ભરવામાં આવ્યો હોય તેમ દર્શાવી નોટીસ પડતી મૂકવામાં આવી હોવાનું દર્શાવાયું હતું. પરંતુ આ દંડમાંથી રૂા.૩૫ લાખથી વધુની રકમ ખોટી રીતે ભરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ માટે જામનગર વેરા વિભાગના એક અધિકારીએ રૂા.૫૦ લાખનો વેપારી પાસેથી તોડ કરી નોટીસ પડતી મૂકી ભીનું સંકેલી લેવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આટલું જ નહીં વેપારીને ભવિષ્યમાં બાકી વેરો, વ્યાજ અને દડં ન ભરવો પડે તે માટે શું કાર્યવાહી કરવી તેની બાંહેધરી પણ અધિકારી અને તેની સાથેના મળતિયાઓ દ્રારા આપવામાં આવી હતી. તદઉપરાંત ભવિષ્યમાં આ કેસમાં કોઇ કડક કાર્યવાહી ન થાય તે માટે વડી કચેરીના સીન્ડીકેટના કર્તાહર્તા ઉચ્ચ અધિકારીઓને રોકડની મલાઇ પહોંચાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આથી જામનગરના વેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓની સુવ્યવસ્થિત સીન્ડીકેટ દ્રારા જામનગર સહીત રાજયભરમાં કેવી રીતે કરચોરી કરાવી ભ્રષ્ટ્રાચારનું નેટવર્ક ચલાવામાં આવી રહ્યું છે તેની પીએમઓ તથા સીબીઆઇ સહીતની મહત્વની તપાસનીશ એજન્સીઓમાં આધાર પુરાવા સાથે રજૂ કરવામાં આવેલા ફરિયાદના લેટર બોમ્બ બાદ એક અધિકારી સામે આકરી કાર્યવાહી બાદ સીન્ડીકેટના જામનગર સહીત અન્ય અધિકારીઓનીં પગલાં લેવામાં આવશે કે ભીનું સંકેલાશે તેના પર સૌની મીટ મંડાઇ છે.