શહેરમાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વઘ્યો: કોર્પોરેશનનું મૌન

  • July 27, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના સતાવાળાઓ પાર્કિંગમાં પાણી ભર્યા હોય તેઓને માત્ર નોટીસ આપીને સંતોષ માને છે: જામનગરમાં અનેક પાર્કિંગોમાં પાણી ભરાતા ચારેકોર મચ્છરોથી લોકો બિમાર પડયા: તાત્કાલીક દવા છંટકાવની આવશ્યકતા

જામનગર શહેરમાં લગભગ ૪૭ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે ખાસ કરીને શહેરમાં અનેક સ્થળોએ ખાબોચીયા ભરાયા છે તેનો નિકાલ હજુ સુધી થયો નથી, મોટાભાગના પાર્કિગોમાં પાણી ભરાવાને કારણે ચારેકોર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, કોર્પોરેશનના સતાધીશો પાર્કિંગના સંચાલકોને માત્ર નોટીસ આપીને સંતોષ માની લે છે પરંતુ જામનગરમાં જે રીતે રોગચાળો વધી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં અનેક લોકો બિમારીમાં સપડાઇ જશે અને ત્યારબાદ બિમારી પણ બેકાબુ બની જશે, છેલ્લા બે દિવસથી તાવ, શરદી, ઉધરસના જી.જી.હોસ્પિટલમાં ૩૦૦ અને ખાનગી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ કેસ આવ્યા હોવાનું જાણવા મળે છે, પાર્કિંગમાં ભારે મચ્છર હોવાના કારણે દુકાનોમાં પણ વેપારીઓ બેસી શકતા નથી, ત્યારે કોર્પોરેશનના સતાધીશોએ હવે જાગવું જોઇએ તેમ લોકોનું કહેવું છે.
શહેરમાં ભારે વરસાદ પડયા બાદ હવે રોગચાળાએ માઝા મુકી છે, ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી જવાની કોઇ શકયતા નથી, કોર્પોરેશનના અધિકારીઓએ જે કામગીરી કરવી જોઇએ તે કરતું નથી, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ બેકાબુ બન્યો છે, શહેરના કેટલાક વિસ્તારો એવા છે કે જયાં અનેક ફરિયાદો કરવા છતાં પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, જેના કારણે આ રોગ દિન-પ્રતિદિન વધતો જાય છે.
નવાગામ ઘેડ, ટાઉનહોલ, કાલાવડ નાકા બહાર, મોહનનગર, ગુલાબનગર, ગાંધીનગર, મચ્છરનગર, પટેલકોલોની, સ્વસ્તીક સોસાયટી, ખોડીયાર કોલોની, સાધનાકોલોની, ઇવા પાર્ક, રણજીતનગર સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ પાણીના ખાબોચીયા ભરાયા છે, એટલું જ નહીં કચરાના ઢગ પણ પડયા છે, અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ કોઇ પગલા લેવાતા નથી તે પણ હકીકત છે.
દુકાનોના પાર્કિંગમાં પાણી ભરાવાને કારણે વેપારીઓ પણ પોતાનો બિઝનેસ કરી શકતા નથી, ખરેખર તો પાર્કિંગ સાફ કરાવીને તેમાં દવાનો છંટકાવ કરાવવો જોઇએ, પરંતુ આ થતું નથી, મોટાભાગના પાર્કિંગના સંચાલકોને નોટીસો ફટકારવામાં આવી છે પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, ઠેર-ઠેર ગટરના પાણી પણ ઉભરાય છે, ભૂગર્ભ ગટર શાખાનો સ્ટાફ પહોંચી શકતો નથી, જામનગરમાં ઝડપથી સફાઇ નહીં થાય તો આગામી દિવસોમાં રોગચાળો માઝા મુકશે.
બિન સતાવાર રીતે મળતી માહિતી મુજબ જી.જી.હોસ્પિટલમાં બે દિવસોમાં ૩૦૦થી વધુ તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસો આવ્યા છે જયારે ઓશવાળ, સમર્પણ, ઇન્દુમધુ તેમજ ખાનગી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ કેસ જોવા મળ્યા છે, જો કે આગામી દિવસોમાં આ આંકડો વધુ પાર કરી જશે તેમ મનાય છે, કોર્પોરેશને હવે ઝડપી પગલા લઇને શહેરમાં જે રીતે જમ્બો જેટની ઝડપે રોગચાળો વધી રહ્યો છે તેના ઉપર કઇ રીતે અંકુશ આવે તેવા પગલા તાત્કાલીક ભરવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application