મેયર, કમિશ્નર અને ચેરમેનની ઓફીસ બહાર એકસ આર્મીમેનને મુકી દેવાયા

  • July 21, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશનમાં વારંવાર બઘડાટી બોલતા આખરે કંટાળીને મ્યુ.કમિશ્નરે સુરક્ષા વધારવા કર્યો હુકમ

જામનગર મહાપાલિકામાં અવારનવાર લોકોના ટોળા આવીને કોર્પોરેશનના કામમાં ડખલ પહોંચાડે છે, એટલું જ નહીં ભારે હો ગોકીરો થતાં મ્યુ.કમિશ્નરની દરખાસ્ત બાદ કોર્પોરેશનમાં ધરણા, ઉપવાસ અને ટોળુ નહીં લાવવા માટેની તાબડતોબ દરખાસ્ત કરી દેવાતા માત્ર બે કલાકમાં જ અધિક કલેકટર ભાવેશ ખેરે જાહેરનામુ બહાર પાડી કોર્પોરેશનના પટાંગણ કે ઓફીસમાં ટોળા લઇને ન આવવા અને ધરણા કે ઉપવાસ આંદોલન કરવા ઉપર પ્રતીબંધ ફરમાવી દીધો છે ત્યારે હવે મ્યુ.કમિશ્નરે કર્મચારીઓ અને અધિકારીઓ, પદાધિકારીઓની સુરક્ષામાં કોઇ આંચ ન આવે તે માટે મેયર, કમિશ્નર, ચેરમેન અને કોર્પોરેશનના ઓફીસના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એકસ આર્મી મેનને ફરજ ઉપર મુકી દીધા છે.
કોર્પોરેશનના ઇતિહાસમાં આ પ્રકારની સુરક્ષા અગાઉ કયારેય રાખવામાં આવી ન હતી, છેલ્લા ૧૫ દિવસથી અવારનવાર વિપક્ષ દ્વારા તેમજ અન્ય લોકો દ્વારા કોર્પોરેશનમાં આવીને હલ્લાબોલ મચાવવામાં આવતો હતો, ત્યારબાદ મેયર બીનાબેન કોઠારી, મ્યુ.કમિશ્નર દિનેશ મોદી, સ્ટે.ચેરમેન મનીષ કટારીયાનો ઓફીસની બહાર એકસ આર્મી મેનનો બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે, એટલું જ નહીં મહાપાલિકાની કચેરીમાં જયાંથી પ્રવેશ આપવામાં આવે છે ઉપરની કોર્પોરેશનની કોઇપણ ઓફીસમાં ટોળુ ઘુસી ન જાય તે માટે મુખ્ય દરવાજા પાસે પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બે-ત્રણ અધિકારીઓને કેટલાક લોકોએ ધમકી આપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં સુરક્ષા વધારી દેવાતા હલ્લાબોલ અને ટોળા અટકશે તેવું અધિકારીઓનું માનવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application