BREAKING NEWS

અમેરિકાની સુરક્ષા: કિંગ ચાર્લ્સની સુરક્ષા માટે લંડનથી બોલાવાયા બ્રિટિશ સૈનિકો; વ્હાઇટ હાઉસમાં ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસને અનેક કાર્યક્રમો કર્યા રદ

  • April 27, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટિશ રાજા કિંગ ચાર્લ્સ-તૃતીય હાલમાં અમેરિકાના પ્રવાસે છે, પરંતુ આ પ્રવાસ અપેક્ષા કરતા વધુ તણાવપૂર્ણ બની રહ્યો છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત 'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર' (WHCD) દરમિયાન થયેલા ગોળીબારે અમેરિકાની પ્રતિષ્ઠિત ગણાતી 'સિક્રેટ સર્વિસ'ની ક્ષમતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.


વ્હાઇટ હાઉસમાં શું બની હતી ઘટના?
રવિવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને કેબિનેટના અનેક સભ્યો હાજર હતા. કાર્યક્રમ શરૂ થતાની સાથે જ એક અજાણ્યા શખ્સે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોકે, સિક્રેટ સર્વિસે હુમલાખોરને તાત્કાલિક ઝડપી લીધો હતો, પરંતુ આ ઘટનાએ સુરક્ષામાં મોટી ખામી હોવાનું સાબિત કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટનાને ગંભીર ગણાવવાને બદલે કહ્યું કે શૂટર આવ્યો ચોક્કસ હતો પરંતુ તે કંઈ કરી શક્યો નથી.


બ્રિટનનો કડક નિર્ણય
સામાન્ય રીતે જ્યારે નાટો (NATO) દેશોના વડા અમેરિકાની મુલાકાતે આવે છે, ત્યારે તેમની અંગત સુરક્ષા માટે માત્ર થોડા જ સુરક્ષાકર્મીઓ સાથે હોય છે અને બાકીની જવાબદારી અમેરિકાની સિક્રેટ સર્વિસ સંભાળતી હોય છે. પરંતુ ગોળીબારની ઘટના બાદ બ્રિટને આ પરંપરા તોડી છે:


વધારાના સૈનિકોની તૈનાતી
વોશિંગ્ટનમાં બ્રિટિશ રાજદૂતે સ્પષ્ટ કર્યું છે કે લંડનથી વિશેષ સૈનિકોને બોલાવવામાં આવ્યા છે જેઓ કિંગ ચાર્લ્સની સુરક્ષાનું સીધું સંચાલન કરશે. સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કિંગ ચાર્લ્સના અનેક કાર્યક્રમો રદ કર્યા છે. કયા કાર્યક્રમો રદ થયા છે તેની વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકા અને બ્રિટન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે.


​​​​​​​સિક્રેટ સર્વિસ પર ઉઠ્યા સવાલો

અમેરિકાની સિક્રેટ સર્વિસને દુનિયાની સૌથી મજબૂત સુરક્ષા એજન્સી માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસ જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં હથિયારધારી વ્યક્તિ કેવી રીતે પહોંચી શકે, તે બાબતે બ્રિટિશ સિક્યોરિટી એજન્સીઓ ચિંતિત છે. આ જ કારણ છે કે બ્રિટને અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા પર ભરોસો કરવાને બદલે પોતાના સૈનિકો પર વિશ્વાસ મૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application