આ બધા સરકારીબાબુઓ ભેગા મળીને ‘ગાંધીભૂમિ’ને ‘ગંધારીભૂમિ’નો એવોર્ડ અપાવીને જ ઝંપશે!

  • March 26, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર મહાનગરપાલિકા બની છે ત્યારથી લોકોની સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને જેના નામથી સ્વચ્છતાના સમગ્ર વિશ્ર્વમાં શપથ લેવામાં આવે છે  તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર સરકારી બાબુઓની અણઆવડતના કારણે ગંદકીમાં પરિવર્તિત થઇ ગયુ છે અને મનપા બનતા વિસ્તાર વધ્યો  છે છતાં સરકારી અધિકારીઓએ બુધ્ધિનું દેવાળુ કાઢયુ હોય તેમ વોર્ડ દીઠ દસ જેટલા કર્મચારીઓ ઘટાડી નાખ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ લોકઆક્રોશ વધ્યો છે અને જો અધિકારીઓ સમયસર નહી જાગે તો આ મુદ્ે સફાઇકર્મચારીઓ અને લોકો વચ્ચે થતુ ઘર્ષણ મારામારીમાં કે પોલીસ ચોપડે એફ.આઇ.આર. સુધી પરિવર્તિત થઇ જાય તેવી શકયતાઓ રહેલી છે. 
મનપાના અણઆવડત ધરાવતા અધિકારીઓની મનમાની
પોરબંદરવાસીઓને આશા હતી કે ગાંધીજીની ભૂમિ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થશે એટલે લોકોની સુખાકારી વધશે પરંતુ જ્યાં સુધી સરકારીબાબુઓનું શાસન છે ત્યાં સુધી લોકોની આશા ઠગારી નીવડે તેવુ અનુભવાય રહ્યુ છે. પોરબંદર નગરપાલિકાના વહીવટદાર એવા જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને પૂર્વ ચીફ ઓફિસર તથા હાલના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનન ચતુર્વેદી સહિતના સરકારી બાબુઓએ અણધડ નિર્ણય લઇને મનમાની ચલાવી કોન્ટ્રાકટ બેઝ સફાઇ કામ કરતા ૧૨૦ જેટલા સફાઇ કર્મચારીઓને જે -તે સમયે છૂટા કરી દીધા બાદ શહેર ગંદકીમાં પરિવર્તિત થઇ ગયુ છે.  આ અધિકારીઓનું એટલીહદે સરકારીકરણ થઇ ગયુ છે કે તેઓએ વિચિત્ર દાવો કર્યો હતો કે ડોર-ટુ-ડોર કચરો લેવા વાહનો જાય છે. એટલે આ વધારાના સફાઇ કર્મચારીની જ‚ર નથી ! વાસ્તવમાં પોરબંદરના અનેક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરો લેવાતો નથી છતાં સરકારીબાબુઓ આ વાતને સમજતા નથી.
વિસ્તાર વધ્યો છતાં દરેક વોર્ડમાં દસ-દસ સફાઇકર્મી ઓછા કર્યા
પોરબંદર નગરપાલિકા હતુ ત્યારે દરેક વોર્ડમાં વોર્ડ દીઠ ૨૮ થી ૩૦ જેટલા સફાઇ કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ મહાનગરપાલિકા બન્યુ અને પનોતી બેઠી 
હોય તેમ અધિકારીઓએ મનમાની ચલાવીને સફાઇ કામદારોને છૂટા કરી દીધા હોવાથી હાલમાં દરેક વોર્ડમાં માંડ ૨૦ જેટલા સફાઇ કર્મચારીઓ પણ સફાઇ કામ કરતા જોવા મળતા નથી. જાવર, રતનપર સહિતના ચાર ગામો પોરબંદર મહાનગરપાલિકામાં ભળ્યા છે તેથી મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે ત્યારે સફાઇ કામદારો વધારવા જોઇએ તેના બદલે ઉંધાઇ કરનારા અધિકારીઓએ ખર્ચ બચાવવા અથવા અન્ય કોઇ કારણોસર સફાઇ કર્મચારીઓ ઓછા કરી નાખ્યા છે. જેના કારણે દરેક વોર્ડમાં દસ-દસ સફાઇકર્મચારીઓની ઘટ જણાતા સમગ્ર શહેર ગંદકીના ભરડામાં ફસાઇ ગયુ છે. 
સફાઇકર્મીઓ અને લોકો વચ્ચે માથાકૂટ
સરકારીબાબુઓની અણધડ નીતિઓનો ભોગ નાના સફાઇકર્મચારીઓને બનવુ પડયુ છે અને  શહેરના મોટાભાગના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સફાઇ થતી નથી અને શેરી-ગલીઓમાં તો ઠીક પણ મુખ્ય રાજમાર્ગો પણ ગંદકીથી ખદબદતા જોવા મળી રહ્યા છે તેના કારણે અનેક જગ્યાએ લોકો અને સફાઇ કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી, માથાકૂટ થઇ રહ્યા છે. હેલ્થ ઓફિસર સાથે પણ આ બાબતે ઉગ્ર રજૂઆતો લોકો કરી રહ્યા છે પરંતુ તંત્રના પાપે આવી ફરિયાદો મોટા ઝઘડામાં કે પોલીસ ચોપડે એફ.આઇ.આર. સુધી પહોંચે તે પહેલા અધિકારીઓએ આ મુદ્ે યોગ્ય કરવું જ‚રી બન્યુ છે. 
સફાઇકર્મીઓની પણ કામની લિમીટ હોય
પૂજ્ય બાપુને પ્યારા સફાઇકામદારો નિષ્ઠાથી ફરજ બજાવે છે પરંતુ તેમની પણ કામની લિમીટ હોય છે કારણકે જે વિસ્તારન સફાઇ ૩૦ કર્મચારીઓ કરતા એજ વિસ્તારની સફાઇ હવે ૨૦થી પણ ઓછા સફાઇ કામદારો કરી રહ્યા છે. તેના કારણે  સફાઇ સૈનિકોની કામગીરી ઉપર પણ ગંભીર અસર થઇ છે. 
સ્વચ્છતા સર્વેક્ષણમાં ‘ગંધારીભૂમિ’નો એવોર્ડ પાકકો !
સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે તેમાં બહારથી આવતી ટીમ શહેરમાં ફરવાલાયક સ્થળોથી માંડીને જાહેર માર્ગોની પણ સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરે છે પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી હવે સ્વચ્છતા સર્વેક્ષણ થાય તો ‘ગાંધીભૂમિ’ના ફાળે ‘ગંધારીભૂમિ’નો એવોર્ડ સરકારીબાબુઓના પાપે મળી જાય તેવું જણાઇ રહ્યુ છે. 
આમ, સમગ્ર  પોરબંદર શહેર ગંદકીમાં પરિવર્તિત થઇ ગયુ છે અને તેમ છતાં  સરકારી અધિકારીઓ અને મહાનગરપાલિકાના તંત્રને કશી જ દરકાર હોય તેવું જણાઇ રહ્યુ નથી. ત્યારે સ્વાભાવિક રીતે જ લોકરોષ આસમાનને આંબ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application