અમદાવાદ : 10 ટ્રાફિક પોલીસ સસ્પેન્ડ, દારૂ માટે 20 હજાર રૂપિયા લાંચ લીધી હોવાનો આરોપ

  • November 22, 2023 05:46 PM 


દિલ્હીના એક વ્યક્તિનો વિડીયો વાઈરલ, પોલીસ જવાનોએ બળજબરી કરી, ૨ લાખની માંગ પર ૨૦ હજારમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી મામલો પતાવ્યો હોવાનો દાવો



ગુજરાત પોલીસે મંગળવારે અમદાવાદમાં ૧૦ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા બાદ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં દિલ્હીના કનવ મનચંદા નામના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે કર્મચારીઓએ તેની પાસે ૨૦,૦૦૦ની લાંચ માંગી છે. રવિવારે જ્યારે તે આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલ જોવા જઈ રહ્યો હતો ત્યારે તેની કારમાં દારૂની બોટલ હતી. ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ યોગ્ય લાયસન્સ વગર દારૂનું વહન કે સેવન કરવું ગેરકાયદેસર છે.


વીડિયોમાં મનચંદાએ આરોપ લગાવ્યો કે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેને નાના ચિલોડા સર્કલ પાસે રોક્યો અને પૂછ્યું કે શું તેની કારમાં દારૂ છે. જ્યારે તેણે કહ્યું કે તેની પાસે એક પેક્ડ બોટલ છે, ત્યારે ચાર કે પાંચ પોલીસકર્મીઓએ તેને પરેશાન કર્યો અને તેમના વાહનમાં લઈ ગયા. તેણે દાવો કર્યો કે તેઓએ પહેલા રૂ. ૨ લાખની માંગણી કરી અને અંતે રૂ. ૨૦,૦૦૦ માટે સંમત થયા, જે તેમણે યુપીઆઇ દ્વારા ચૂકવ્યા હતા.


પોલીસ હાલમાં રોયલ મોબાઈલ એસેસરીઝના અરુણ ભરતસિંહ હડિયોલને શોધી રહી છે, જેણે યુપીઆઈ દ્વારા પૈસા મેળવ્યા હતા. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા, ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક ઈસ્ટ-અમદાવાદ સિટી) સફીન હસને જણાવ્યું હતું કે, “કનવ મનચંદાને ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ અટકાવ્યો હતો, જેમણે તેમની પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા લીધા હતા. અમદાવાદ પોલીસને મીડિયા તરફથી એક વીડિયો મળ્યો હતો, મનચંદાએ પોલીસનો સંપર્ક કર્યો ન હતો. ટ્રાફિક ડિવિઝન સીને કેસ સોંપવામાં આવ્યો છે.


તેમણે વધુમાં કહ્યું, “અમે એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત, સાત ટ્રાફિક બ્રિગેડના  કર્મચારીઓ, જેઓ આ કૃત્યમાં સામેલ હતા, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અગ્રાવતને તેમની ટીમ સાથે મનચંદાને મળવા માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application