ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. બજેટમાં વર્ષ 2030ની કોમનવેલ્થની યજમાની મેળવવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે તૈયાર કરવા માટે રૂ. 1278 કરોડની માતબર ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ માત્ર રમતગમત સુવિધાઓનો વિકાસ જ નહીં, પરંતુ શહેરના સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રને પણ નવી ઊંચાઈ પર પહોંચાડવાનો છે.
સરકારના માસ્ટર પ્લાન મુજબ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આધુનિક સ્ટેડિયમોનું નિર્માણ કરાશે, જેમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ સહિત વિવિધ રમતો માટે અલગ-અલગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ તમામ માળખું ભવિષ્યમાં ઓલમ્પિક ગેમ્સના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે.
પરિવહન સુવિધાઓમાં પણ મોટા ફેરફારો કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોને સરળ અવરજવર મળી રહે તે માટે સ્પોર્ટ્સ વેન્યુઝને શહેરની અમદદાવાદ મેટ્રો અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત બીઆરટીએસ કોરિડોર સાથે સીધા જોડવામાં આવશે. માર્ગ વ્યવસ્થા સુધારવા, પાર્કિંગ ઝોન વધારવા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્માર્ટ સિસ્ટમ લાગુ કરવાની પણ યોજના છે.
આ સમગ્ર આયોજનમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ યોજી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ભવિષ્યમાં મોટા વૈશ્વિક ટૂર્નામેન્ટ અને મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સ અહીં યોજાય તેવો સરકારનો દ્રષ્ટિકોણ છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ પ્રોજેક્ટથી શહેરમાં રોજગારના નવા અવસરો ઊભા થશે અને હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિટેલ સહિતના ક્ષેત્રોમાં પણ વૃદ્ધિ જોવા મળશે. સાથે જ રમતગમત પ્રત્યે યુવાનોમાં જાગૃતિ અને ભાગીદારી વધશે. રાજ્ય સરકારનો દાવો છે કે યોગ્ય આયોજન અને સમયસર અમલથી અમદાવાદને વૈશ્વિક રમતગમત નકશા પર મજબૂત સ્થાન અપાવી શકાય છે.