BREAKING NEWS

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે ભાવનગર સુધી લંબાવાશેઃ નીતિન ગડકરી-સીએમ વચ્ચેની બેઠકમાં નિર્ણય

  • July 10, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વેના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપવા માટે પાટનગર ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ સચિવો સાથે રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. અગાઉ નવેમ્બર-2025માં યોજાયેલી બેઠક બાદ થયેલી પ્રગતિ અંગે કેન્દ્રીય મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં કનેક્ટિવિટી વધારવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે મુજબ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટને હવે છેક ભાવનગર સુધી લંબાવવામાં આવશે અને તેની સત્તાવાર કામગીરી આગામી ત્રણ મહિનામાં જ શરૂ કરી દેવાશે.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌરે રાજ્યના હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ સમીક્ષામાં વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48 સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટની વર્તમાન પરિસ્થિતિ અને નડતરો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને કચ્છને જોડતા મહત્વના પાલનપુર-સામખિયાળી કોરિડોરના માર્ગ વિસ્તરણના કામોમાં વધુ ઝડપ લાવવા કેન્દ્રીય મંત્રીને ખાસ અનુરોધ કર્યો હતો, જેથી ઔદ્યોગિક પરિવહનને વધુ વેગ મળી શકે.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈવે પ્રોજેક્ટ્સમાં સૌથી જટિલ ગણાતી જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવા માટેના 'ગુજરાત મોડલ'ની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, માર્ગોના ડીપીઆર (ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર થવાના તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનની બિનખેતી (એનએ) મંજૂરીની કાર્યવાહીને 60 દિવસ માટે સ્થગિત રાખવાનો ગુજરાત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. આ વહીવટી સૂઝબૂઝ આખા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ છે, જેના કારણે પ્રોજેક્ટના ખર્ચ અને સમયમાં મોટો બચાવ થાય છે.


વિકાસની સાથે પર્યાવરણ સંતુલન જાળવવાના અભિગમ પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ એક વિશેષ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાઈવે વિસ્તરણના કામોમાં નડતરરૂપ બનતા પરંપરાગત વૃક્ષોને કાપી નાખવાને બદલે, આધુનિક ટેકનોલોજીની મદદથી તેને તે જ રોડ પર અથવા આસપાસના અન્ય અનુકૂળ સ્થળે 'ટ્રાન્સપ્લાન્ટ' (પુનઃરોપણ) કરવામાં આવે. આ સાથે જ તેમણે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાતને વધુ ભંડોળ ફાળવવાની તૈયારી બતાવી હતી અને તે માટે રાજ્ય સરકારને વહેલી તકે નવી દરખાસ્તો મોકલવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application