BREAKING NEWS

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોનો ગયો'તો જીવ, હાઈકોર્ટે આજે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો, જાણો 2008માં શું બન્યું હતું?

  • July 07, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની ન્યાયિક પ્રણાલીમાં આજે એક અત્યંત મોટો અને ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. વર્ષ ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે દેશનો સૌથી મોટો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે વર્ષ ૨૦૨૨માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા આપવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખી છે. ઉચ્ચ અદાલતે આ કેસમાં ૩૮ આતંકીઓની ફાંસીની સજા અને ૧૧ દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઐતિહાસિક ચુકાદાથી લાંબી રાહ જોયા બાદ આખરે પીડિતોને ન્યાય મળ્યો છે.

આ કેસની વિગતો મુજબ, ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરમાં સાંજના સમયે આશરે ૭૦ મિનિટના ટૂંકા ગાળામાં ૨૧ જેટલા જુદા-જુદા સ્થળોએ એક પછી એક સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ આતંકી હુમલામાં ૫૬ નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા અને ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના કારણે સમગ્ર શહેરમાં ભય, ચીસાચીસ અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ આઘાતજનક ઘટના બાદ હજુ તો લોકો સંભળાય તે પહેલાં જ, શહેરની વિવિધ હોસ્પિટલોમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી, જેણે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો.

આ કેસની ઊંડાણપૂર્વક તપાસ પૂર્ણ થયા બાદ કુલ ૭૮ આરોપીઓ સામે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. આઠમી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે ૭૮માંથી ૪૯ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે ૨૮ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ સજાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

વિશેષ અદાલતના આ ચુકાદા બાદ ફાંસીની સજાની કાનૂની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ, દોષિત ઠરેલા ૪૮ આરોપીઓએ પણ પોતાની સજા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. નીચલી અદાલતે અગાઉ ૪૮ દોષિતો પર ૨.૮૫ લાખ રૂપિયા અને એક દોષિત પર ૨.૮૮ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લાંબી સુનાવણીની પ્રક્રિયાના અંતે આજે ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની તમામ દલીલોને ફગાવી દઈને સ્પેશિયલ કોર્ટના નિર્ણયને બહાલ રાખ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે સજા યથાવત્ રાખવાની સાથે જ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવીને આર્થિક વળતરમાં મોટો વધારો કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ વિશેષ અદાલતે મૃતકોના પરિવારોને ૧ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને ૫૦ હજાર રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને પચ્ચીસ હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

જોકે, આજે ગુજરાત હાઈકોર્ટે આ આદેશમાં સુધારો કરીને વળતરની રકમ વધારી દીધી છે. હવે આ ધડાકાઓમાં જીવ ગુમાવનારા તમામ મૃતકોના પરિજનોને ૧૦ લાખ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામ પીડિતોને ૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી આતંકવાદ સામે ભારતની ન્યાય પ્રણાલીની મજબૂતાઈ ફરી એકવાર સાબિત થઈ છે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ આરોપીઓને ગેરકાયદે પ્રવૃત્તિ અધિનિયમ (ઉપા) અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ૧૧ દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરાઈ હતી. ફાંસીની સજા પામેલા દોષિતોમાં પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા'નો જનરલ સેક્રેટરી સફદર નગોરી પણ સામેલ છે. ૧૯૯૦ના દાયકાના અંતમાં ઉત્તર પ્રદેશમાં સક્રિય બનેલા આ સંગઠન પર બાદમાં કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.


આ આરોપીઓને ફાંસીની સજા

ફાંસીની સજાના દોષિતોમાં ઝાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ, ઇમરાન ઇબ્રાહિમ શેખ, ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ, શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ, અબ્દુલસલીમ અન્સારી, મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી, મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા, યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી, કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નગોરી, આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ, શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ, સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન નગોરી, હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન, મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી, અબુબસર ઉર્ફે મુફ્તિ ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ, અબ્બાસ ઉમર સામેજા, જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ), મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની, મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ, આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ, મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા, કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા, મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ, ઝિશાન અહેમદ એહસાનઅહેમદ શેખ, જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુસ્લિમ, મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ, ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની, અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી, સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ, સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી, સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ, મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ, આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ, મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન, મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ અને  તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણનો સમાવેશ થાય છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application