અમદાવાદમાં અષાઢી દૂજના પર્વે નીકળનારી દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારીઓ! રૂ. 19 કરોડના ખર્ચે જમાલપુરથી દાણાપીઠ સુધીનો માર્ગ દિવ્ય અને ભવ્ય લુક સાથે તૈયાર થઈ રહ્યો છે. આ વર્ષે જગન્નાથજીની નગરચર્યા વધુ આકર્ષક અને ડિજિટલ-મોડર્ન ટચ સાથે જોવા મળશે.
ઓડિશાના પુરી બાદ દેશભરમાં જેની સૌથી વધુ રાહ જોવાય છે તેવી અમદાવાદની ઐતિહાસિક અને દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. અંદાજે 12 કિલોમીટર લાંબો રૂટ ધરાવતી આ ભવ્ય રથયાત્રાને વધુ દિવ્ય અને યાદગાર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સમગ્ર રૂટનું કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે.
રૂ.19 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ અને સુશોભન
મધ્ય ઝોનમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી નીકળતી આ રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા જમાલપુર ચાર રસ્તાથી દાણાપીઠ સુધીના અંદાજે 1200 મીટરના માર્ગનું આધુનિક નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. રૂ. 19 કરોડથી વધુના ભવ્ય બજેટ સાથે ચાલી રહેલા આ પ્રોજેક્ટની 95 ટકા કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે.
આઇલેન્ડ, શિલ્પકૃતિઓ અને હેંગિંગ લાઇટ્સ
આ વખતે રથયાત્રાના ભક્તોને એક નવો જ અહેસાસ થશે. સમગ્ર માર્ગ પર સુંદર પ્લાન્ટેશન, સેન્ટર લાઈટિંગ, ગ્રીન પેચ અને કોટા-ગ્રેનાઈટ સ્ટોનના પેવમેન્ટ સાથે આકર્ષક ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર અને ગેટ નંબર-2 પાસે કલાત્મક પેવિંગ અને વિશાળ પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે. તેમજ જમાલપુર દરવાજા, ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા જેવા રથયાત્રાના રૂટના મહત્વના જંક્શનોને ટેબલ ટોપ, આઇલેન્ડ, સુંદર શિલ્પકૃતિઓ અને આકર્ષક હેંગિંગ લાઇટ્સ (ઝુમ્મર લાઈટો) સાથે નવો લુક આપવામાં આવી રહ્યો છે.
જગતના નાથ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે ભક્તોને ભક્તિની સાથે સાથે અમદાવાદની સ્માર્ટ અને ભવ્ય વિરાસતની ઝાંખી પણ જોવા મળશે. તંત્ર દ્વારા આ વખતે રથયાત્રા પરંપરાગત આસ્થા સાથે અદભુત દિવ્યતાથી સંપન્ન થાય તે માટે રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે.