સોપારીના વેપારી સાથે અમદાવાદી શખસની ૨૦.૬૭ લાખની છેતરપિંડી

  • March 04, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીમાં રહેતા અને રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર ભાગીદારીમાં પેઢી ચલાવનાર વેપારી પાસેથી ઉઘારમાં સોપારી ખરીદી અમદાવાદના શખસે રૂ.૨૦.૬૭ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવવામાં આવી છે. પડધરીના રંગપર ગામે રહેતા પિયુષભાઈ જન્તીભાઈ મંગલપરા (ઉ.વ 29) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં વસ્ત્રાલમાં માધવ હોમ્સમાં રહેતા જૈમીન દિનેશભાઈ પરમારનું નામ આપ્યું છે.


વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જે.કે.સી. એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી ધરાવે છે જેની ઓફિસ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર સિનર્જી હોસ્પિટલ રોડ પાસે ઓફિસ શોપ નંબર-૩ ખાતે આવેલી છે. આ પેઢીમાં તે તથા રજનીકાંતભાઈ ઉધાડ, પ્રવીણભાઈ માલાણી ભાગીદાર છે અને તેઓ સોપારી તથા ઘરઘંટીનો હોલસેલ ભાવે વેપાર કરે છે.


ગત તા. 14/3 ના તેમની ઓફિસે આરોપી જૈમીન દિનેશભાઈ પરમાર સાથે સંપર્ક થયો હતો અને જૈમીન કહ્યું હતું કે, તે ગોપી એન્ટરપ્રાઇઝના સંચાલક જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પ્લેક્સમાં આવેલી છે તથા સુરતમાં પણ કતારગામ ખાતે ગોપાલ પ્લાઝામાં તેમની પેઢી આવેલી છે. તે હોલસેલરો પાસેથી માલની ખરીદી કરી પોતાનું કમિશન રાખી માલનું વેચાણ કરે છે. જેથી તેમને સોપારીની બહુ મોટા જથ્થામાં જરૂરિયાત રહેતી હોય સોપારીનું સેમ્પલ જુનાગઢ મોકલવા કહ્યું હતું. ફરિયાદીએ તા. 16/3/2023 ના સોપારીના બે પાર્સલ જેની કિંમત રૂપિયા 43,315 થતી હોય તે સેમ્પલ તરીકે મોકલાવ્યા હતા. બાદમાં આરોપીએ સોપારીની ગુણવત્તા ખૂબ જ સારી હોવાનું કહી જણાવ્યું હતું કે મારે મોટા પાયે સોપારીની જરૂરિયાત પડતી હોય પરંતુ માર્કેટમાં હરીફાઈના લીધે અઠવાડિયા 10 દિવસ કસ્ટમરને માલ બાકીમાં દેવો પડતો હોય જેમ જેમ કસ્ટમર પાસેથી પેમેન્ટ આવતું જશે તેમ હું તમને પેમેન્ટ કરતો રહીશ.


ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી જતા તારીખ 16/3/2023 થી માલ મોકલવાનું શરૂ કર્યું હતું અને જેમાં તે પાર્ટ પેમેન્ટ આપતા હતા.બાદમાં આરોપીએ કહ્યું હતું કે જેમ જેમ ગ્રાહક પાસેથી રકમ આવશે તેમ તમને પેમેન્ટ આપીશ.બાદમાં વેપારીએ તા.૧૬/૩/૨૦૨૩ થી તા.૧૮/૪/૨૦૨૩ સુધીમાં કટકે કટકે કરી કુલ રૂ.૨૨.૫૮ લાખ રૂપિયાની સોપારી ખરીદી હતી.આ વચ્ચે તેણે ઘરઘંટી ખરીદવાની વાત કરી કુલ રૂ.૧.૪૦ લાખની ઘરઘંટી પણ ખરીદી હતી.આમ કુલ રૂ. ૨૩,૯૮,૩૪૫ નો માલ ઉધારમાં ખરીદી રૂ.૩,૩૧,૧૫૦ કટકે કટકે ચૂકવી દીધા હતાં.બાકી રહેતી રકમ રૂ. ૨૦,૬૭,૧૯૫ ચૂકવવા માટે બે ચેક આપ્યા હતાં.જે ચેક પરત ફરતા આરોપીએ ધીમે ધીમે ચૂકવી દેશે. બાદ અમોએ તેમને માલ આપવાનું બંધ કરી દીધું હતું. માલના રૂપિય માંગતા તે કહેતો હતો કે તમો મારા પર ભરોસો રાખો હું તમારા રૂપિયા દુધે ધોઇને આપી દઇશ. ત્યારબાદ ત્યારબાદ આ જૈમિને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.જુનાગઢ જઇ તેની ઓફિસે તપાસ કરતા ઓફિસ બંધ હતી.જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો.આમ આ શખસે વેપારી પાસેથી ક્રેડીડમાં માલ લઇ રૂ.૨૦.૬૭ લાખ ન ચૂકવી છેતરપિંડી-વિશ્ર્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application