ગુજરાતના વિકાસના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. વર્ષ ૨૦૩૬માં યોજાનારા ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરના શહેરી વિસ્તારોને એક વહીવટી માળખા હેઠળ લાવવાની કવાયત તેજ બની છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા) અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ( ગુડા)નું વિલીનીકરણ કરીને એક સંયુક્ત 'અર્બન ઓથોરિટી' બનાવવાનું આયોજન છે.
હાલમાં, અમદાવાદ અને ગાંધીનગરના વિકાસનું સંચાલન બે અલગ-અલગ સત્તામંડળો અને પાંચ પાલિકાઓ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે વિકાસકાર્યો અને નીતિઓમાં એકરૂપતાનો અભાવ જોવા મળે છે. નવા સૂચિત 'ડેવલપમેન્ટ પ્લાન - ૨૦૪૧' હેઠળ અંદાજે ૨,૬૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને એક છત્ર હેઠળ લાવવાની તૈયારી છે, જેનો વ્યાપ ભવિષ્યમાં ૫,૦૦૦ ચોરસ કિલોમીટર સુધી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ એકીકરણથી ટાઉન પ્લાનિંગ (ટી.પી) સ્કીમ, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફ એસ આઈ) અને ઝોનિંગના નિયમો સમગ્ર રિજિયનમાં સમાન બનશે, જેનાથી રોકાણકારો અને વિકાસકર્તાઓને મોટો ફાયદો થશે.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ઓલિમ્પિક ૨૦૩૬ પહેલાં અમદાવાદ અને ગાંધીનગરને વૈશ્વિક સ્તરના મેટ્રોપોલિટન શહેર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. નવી વસ્તી ગણતરીના અંદાજો મુજબ, ગુજરાતની કુલ વસ્તીના ૨૫ ટકા હિસ્સો આ વિસ્તારમાં વસવાટ કરશે. આ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, આઉટગ્રોથ એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનું નિર્માણ એક જ સત્તામંડળ દ્વારા વધુ કાર્યક્ષમ રીતે કરી શકાશે. ખેડા જિલ્લાના મહેમદાવાદ જેવા વિસ્તારોને પણ સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાની વ્યૂહરચના આયોજનનો એક મહત્વનો ભાગ છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી માત્ર વહીવટી સરળતા જ નહીં, પરંતુ નાગરિક પરિવહન ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ આવશે. બીઆરટીએસ , મેટ્રો રેલ અને સિટી બસ જેવી પરિવહન સેવાઓને એક છત્ર હેઠળ સંચાલિત કરવાનું આયોજન છે. આ ઉપરાંત, ઈન્ટરલિંક પ્રોજેક્ટ દ્વારા શહેરી નાગરિકો માટે દૂધ, શાકભાજી અને કૃષિ આધારિત વસ્તુઓની માંગને પહોંચી વળવા માટે 'એગ્રીકલ્ચર ઝોનિંગ' અને વેલ્યુ એડેડ ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે.
મુંબઈ મોડેલની તર્જ પર વિકાસ
રાજ્ય સરકાર મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટીના મોડેલનો અભ્યાસ કરી રહી છે. જેમ મુંબઈમાં એક સત્તામંડળ દ્વારા આયોજન અને અમલીકરણ થાય છે, તેવી જ રીતે અમદાવાદ -ગાંધીનગર વિસ્તારમાં વર્ટિકલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપીને જમીનની બચત કરવાનું અને ૩૦-૪૦ વર્ષ જૂના વિસ્તારોનું પુનઃવિકાસ કરવાનું લક્ષ્ય છે.
આ નવો ડેવલપમેન્ટ પ્લાન માત્ર બે શહેરોને જોડવાની પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના શહેરીકરણને નવી ઊંચાઈઓ પર લઈ જવાની એક વ્યાપક બ્લુપ્રિન્ટ છે. જો આ અમલીકરણ સફળ રહેશે, તો તે ભવિષ્યમાં ગુજરાતના વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
બૃહદ અમદાવાદ 2041 નવો ડેવલોપમેન્ટના પ્લાનમાં શું હશે...
અમદાવાદ ગાંધીનગર મહાનગરપાલિકા ગુડા,ઔડા અર્બન ઓથોરિટી પાંચ નગર પાલિકાનો સમાવેશ.
બૃહદ અમદાવાદ હેઠળ પાંચ થી છ હજાર કિલોમીટરની પ્લાનિંગ કરાશે.
નવા ડેવલોપમેન્ટ પ્લાન માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના.
ઓલમ્પિક 2036 ને ધ્યાનમાં રાખીને પરિવહન પ્લાનિંગ સ્વચ્છતા અને નાગરિક સુખાકારી એક નેજા હેઠળ.
કલોલ દેહગામ સાણંદ બાવળા ખેડા જિલ્લાના મેહમદાબાદ નો સેટેલાઈટ ટાઉન તરીકે વિકાસ.