જામનગરમાં કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગના ડીમોલેશન પર બ્રેક
છત પડવાની દુઘર્ટના બાદ મહાનગરપાલીકા દ્વારા હંગામી ધોરણે કામગીરી સ્થગિત
બંને સ્થળે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની ચકાસણી થશે: ઇજાગ્રસ્ત શ્રમિકોની તબિયતમાં સુધારો
જામનગરના ગ્રેઇનમાર્કેટ નજીક આવેલા વર્ષો જૂના અને જર્જરિત કસ્ટમ હાઉસ બિલ્ડીંગના ડિમોલેશન દરમિયાન ગઈકાલે સર્જાયેલી દુર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કસ્ટમ હાઉસ અને ગીતાલોજની ડિમોલેશન કામગીરી સ્થગિત કરવામાં આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા ત્રણેય શ્રમિકોની હાલત હાલમાં સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.હાલ તેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
કસ્ટમ હાઉસની ઇમારતના ડીમોલીશન દરમ્યાન ગઈકાલે છતનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં સુનિલ દિનેશભાઈ પરમાર (ઉ.વ. ૨૬), પ્રકાશ જીવાભાઈ ડાભી (ઉ.વ. ૩૬) અને મુન્નાભાઈ જીવાભાઈ ડાભી (ઉ.વ. ૩૮) કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ, એસ્ટેટ શાખા અને ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. દુર્ઘટના બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કસ્ટમ હાઉસ બિલ્ડીંગ તેમજ ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ગીતાલોજ બિલ્ડીંગ ખાતે ચાલી રહેલી ડિમોલેશન કામગીરીનું પુન: નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા બંને સ્થળે હાલ ડિમોલેશન કામગીરી રોકી દેવામાં આવી છે.મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગના અધિકારી અનવર ગજ્જણનાં જણાવ્યા મુજબ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગ સહિત બંને સ્થળે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની વિગતવાર ચકાસણી તથા તકનિકી મૂલ્યાંકન કરાવવામાં આવશે. નિષ્ણાતોની મંજૂરી અને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી મળ્યા બાદ જ ડિમોલેશનની કાર્યવાહી ફરી શ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત શ્રમિકોની સારવાર અને જરૂરી સહાય માટે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર ત્રણેય શ્રમિકોની તબિયત સ્થિર છે અને તેઓ સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ડિમોલેશન સ્થળોની આસપાસ અનાવશ્યક ભીડ ન કરે, સુરક્ષા માટે નિર્ધારિત વિસ્તારથી દૂર રહે અને તંત્રને સહકાર આપે. બંને સ્થળે સુરક્ષાના તમામ પાસાઓની ચકાસણી પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.