અમદાવાદ એરપોર્ટને 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ આ હાઈ એલર્ટ 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવતી હોવાથી અમદાવાદ એરપોર્ટ પર પણ વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
વધારાની સુરક્ષા વ્યવસ્થાને કારણે એરપોર્ટ પર પ્રવેશ, ચેક-ઇન અને સુરક્ષા તપાસમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અધિકારીઓ તેમજ તમામ એરલાઈન્સ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઈટના નિર્ધારિત સમયથી ઓછામાં ઓછા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પર પહોંચે. સુરક્ષા તપાસ વધુ કડક રહેશે અને ઘણા કિસ્સાઓમાં મુસાફરોના બેગેજની બે વખત ચકાસણી કરવામાં આવશે.
એરલાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે મુસાફરોની સુરક્ષા અને સરળ મુસાફરી તેમની પ્રથમ પ્રાથમિકતા છે. જોકે વધારાની તપાસ અને પ્રક્રિયાઓને કારણે થોડો વિલંબ શક્ય છે, આથી મુસાફરોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. એરલાઈન્સના નિયમો અનુસાર ચેક-ઇન કાઉન્ટર ફ્લાઈટના સમયથી 60 મિનિટ પહેલાં બંધ કરવામાં આવશે, જ્યારે બોર્ડિંગ ગેટ ફ્લાઈટના 25 મિનિટ પહેલાં બંધ થઈ જશે. સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મુસાફરોને વહેલા પહોંચવું અત્યંત જરૂરી છે.
સુરક્ષા નિયમોને ધ્યાનમાં રાખીને મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ચેક-ઇન બેગ સિવાય ફક્ત સાત કિલો વજનની એક જ હેન્ડબેગ સાથે રાખે. વધારાના અથવા નિયમો વિરુદ્ધના સામાનને કારણે સુરક્ષા તપાસ દરમિયાન મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ખાસ કરીને 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસની રિહર્સલ અને પરેડને કારણે દેશના અનેક એરપોર્ટ્સ પર ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી શકે છે. તેની અસર અમદાવાદથી દિલ્હી તેમજ દિલ્હીથી અન્ય શહેરો તરફ જતી ફ્લાઈટ્સ પર પણ પડી શકે છે. આ કારણે મુસાફરોને પોતાની મુસાફરીનું આયોજન વધુ સમય રાખીને કરવા અને એરપોર્ટ પર વહેલા પહોંચવા અપીલ કરવામાં આવી છે.
એરપોર્ટ અધિકારીઓએ મુસાફરોને વિનંતી કરી છે કે સુરક્ષા તપાસ દરમિયાન શાંતિ અને સહયોગ જાળવી રાખે, જેથી કોઈને અનાવશ્યક અસુવિધા ન થાય અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે.