અમદાવાદઃ સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેનનો કરવા માટે ગુજરાત સરકાર રેલવેને રૂપિયા 220 કરોડ ફાળવશે

  • January 19, 2025 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




શહેરના વિકાસમાં એક નવો વળાંક આવ્યો છે. અમદાવાદના રેલવે સ્ટેશનના આધુનિકરણના ભાગરૂપે સારંગપુર અને કાલુપુર ઓવરબ્રિજને ફોરલેન કરવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર રેલવેને 220 કરોડ રૂપિયા ફાળવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટને મંજૂરી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વિકાસમાં આ એક મહત્વનું પગલું છે. આ ઓવરબ્રિજને ફોરલેન કરવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે અને શહેરના નાગરિકોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સુગમ માર્ગ મળશે.


આ પ્રોજેક્ટ હેઠળ કુલ 440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો કરવામાં આવશે. આમાંથી 50 ટકા રકમ એટલે કે 220 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આપશે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. 


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે પ્રાથમિકતા આપી છે. 


તેમાં અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજના ફોર-લેન સહિતના નવીનીકરણના કામો માટે રાજ્ય સરકારના ફાળા તરીકે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળાવ્યાં છે. 


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પહોળા કરવા આ રકમ મંજૂર કરી છે. 


અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર  બ્રિજનું નિર્માણ 108 વર્ષ પહેલા 1915માં તથા સાળંગપુર  રેલ્વે ઓવરબ્રિજનું 83 વર્ષ અગાઉ 1940માં નિર્માણ થયું હતું. હાલમાં આ કાલુપુર રેલ્વે ઓવર  બ્રિજ (મનુ ભાઇ પરમાર બ્રિજ) બન્ને તરફ ફુટપાથ  સાથે થ્રી-લેન અને સાળંગપુર  રેલ્વે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે. આ પુલોના લાઈફ સ્પાન અને સલામતી તેમજ વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ LC-100-2E પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ 52.83 કરોડ રૂપિયા ફાળવ્યા છે.  રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી સરળ બનશે.  આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાંકીય સહાય આપવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, કાલુપુર રેલવે ઓવર  બ્રિજ(મનુ ભાઇ પરમાર બ્રિજ) માટે 106.67  કરોડ, સારંગપુર રેલ્વે ઓવર બ્રિજ માટે 113.25 કરોડ અને રાધનપુર બ્રિજ માટે 52.83 કરોડ મળી કુલ 272.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી આ બંને શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય શક્તિ અને ઇંધણની બચત થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application