ગત તારીખ ૨૮ મે, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના સોનીપુર ખાતે આયોજિત એક જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવાની કડક ચેતવણી આપી હતી. આ જાહેરાતના બરાબર પાંચમા દિવસે, એટલે કે ગઈકાલે મોડી રાતે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના તમામ મુખ્ય શહેરોમાં શંકાસ્પદ વિસ્તારોને વણી લેતું આ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદમાં પોલીસે 300 શકમંદની અટકાયત કરી છે જેમાં 166 બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું છે. બાકીનાની તપાસ ચાલુ છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ઘૂસણખોરો અહીં મજૂરી કે અન્ય કામધંધા કરીને જે પણ કમાણી કરતા હતા, તે નાણાં આંગિડિયા મારફતે પહેલા કોલકાતા મોકલતા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ પહોંચાડવામાં આવતા હતા. આ ઉપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સના માધ્યમથી પણ મોટા પાયે નાણાકીય વ્યવહારો બાંગ્લાદેશમાં કરવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે.
સ્થિતિની ગંભીરતાને જોતાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોતે ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસની મુલાકાત લીધી હતી અને પકડાયેલા બાંગ્લાદેશીઓની સીધી પૂછપરછ કરી હતી. તેમણે ઘૂસણખોરોને તેઓ ક્યારે ભારતમાં આવ્યા, કઈ બોર્ડર પરથી અને કેવી રીતે સરહદ ક્રોસ કરી, કેટલા સમયથી ગુજરાતમાં છે અને કયા કયા વિસ્તારોમાં આશરો લીધો હતો તે અંગે આકરા સવાલો કર્યા હતા. આ સાથે જ પોલીસ કમિશનરે આ આખી રાત ચાલેલા ઓપરેશનમાં સામેલ તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.
અમદાવાદ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમોએ ગઈકાલે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને અંદાજે ૩૦૦ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમાંથી અત્યાર સુધીમાં ૧૬૬ લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે બાકીના ૧૬૦ જેટલા લોકોની સઘન પૂછપરછ અને ઓળખ વિધિ ચાલુ છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં કેન્દ્રિત થઈને આ કાર્યવાહી કરી હતી. હાલ તમામ શકમંદોને ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં કડક સુરક્ષા વચ્ચે રાખીને તેમના આઈડી પ્રૂફ અને રહેઠાણના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ ચંડોળા વિસ્તારમાં વારંવાર થતી પોલીસ કાર્યવાહીને કારણે ઘૂસણખોરોએ પોતાની રણનીતિ બદલી નાખી હતી. તેઓ હવે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં જથ્થાબંધ રહેવાને બદલે સમગ્ર શહેરમાં વિખેરાઈ ગયા હતા. પૂર્વ અમદાવાદના વટવા, રામોલ, ઓઢવ, નિકોલ અને નરોડા જેવા વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલો અને મજૂર વસાહતોમાં તેઓ પોતાની સાચી ઓળખ છુપાવીને વસવાટ કરવા લાગ્યા હતા. આથી પોલીસે પણ આ વખતે કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર શહેરમાં એકસાથે દરોડા પાડ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ઓઢવના સ્પા સેન્ટરમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા
આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં એક ફિલ્મી ઘટના સામે આવી હતી. ત્યાં કાર્યરત કેટલાક સ્પા સેન્ટરોમાં બાંગ્લાદેશી યુવતીઓ ગેરકાયદેસર રીતે કામ કરતી હોવાની આશંકાએ જ્યારે એસઓજીની ટીમ પહોંચી, ત્યારે ગભરાઈ ગયેલો સ્પા સંચાલક બહારથી તાળું મારીને નાસી છૂટ્યો હતો. અંદર ફસાયેલી યુવતીઓ બહાર નીકળવા તરફડી રહી હતી અને પોલીસ તાળું તોડવાનો પ્રયત્ન કરતી હતી, તે જ સમયે કેટલીક યુવતીઓ સ્પાની બારીમાંથી બહાર કૂદી પડી હતી. સ્થાનિક લોકોએ તેમને નીચે ઉતરવા માટે સીડી ગોઠવી આપતા, પોલીસ સકંજામાં આવે તે પહેલાં જ કેટલીક યુવતીઓ ભાગી છૂટવામાં સફળ રહી હતી, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.