દિવાળી પહેલા ભારતે આપી ભેટ, શ્રીલંકાના મંદિરો અને મસ્જિદો ચમકી ઉઠશે

  • October 28, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને શ્રીલંકા સરકાર વચ્ચે ઉર્જા ભાગીદારી હેઠળ આજે શ્રીલંકાના ઘણા ધાર્મિક સ્થળોને રૂફટોપ સોલાર સિસ્ટમ સોંપવામાં આવી હતી. કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. ભારતીય હાઈ કમિશન, સાયલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડ અને શ્રીલંકાના સસ્ટેનેબલ એનર્જી ઓથોરિટીના અધિકારીઓએ શ્રીલંકાના વિવિધ ધાર્મિક સ્થળોને સોલાર પેનલ્સ અને અન્ય સાધનો સોંપ્યા છે.


મંદિર-મસ્જિદને સોલાર પેનલ સોંપી


ભારત સરકારના $17 મિલિયન (રૂ. 143 કરોડ) પ્રોજેક્ટ હેઠળ આ સોલાર પેનલ શ્રીલંકાના વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો જેમ કે હોકંડારા ખાતે બૌદ્ધ મંદિર, શ્રી અંજનેયાર મંદિર, સેન્ટ એન્થોની ચર્ચ અને મુતવાલ જુમા મસ્જિદને સોંપવામાં આવી છે.


મોદી સરકારના આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર શ્રીલંકામાં લગભગ 5 હજાર ધાર્મિક સ્થળો પર 25 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. શ્રીલંકાના તમામ 9 રાજ્યો અને 25 જિલ્લાઓમાં ફેલાયેલ, આ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધવા અને ઉર્જા ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.


ધાર્મિક સ્થળોના ઊર્જા ખર્ચમાં ઘટાડો


ભારત સરકારની આ યોજના શ્રીલંકાને વાર્ષિક 37 મિલિયન (3.7 કરોડ) યુનિટ વીજળી પૂરી પાડશે અને શ્રીલંકાના 'લોક-કેન્દ્રિત ઊર્જા સંક્રમણ'માં મહત્વપૂર્ણ યોગદાન હશે. ભારતીય હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ આ ધાર્મિક સ્થળોના ઊર્જા ખર્ચમાં ઘટાડો કરશે અને શ્રીલંકાના સ્વચ્છ ઊર્જા સંક્રમણને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે. આ પ્રોજેક્ટ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

પ્રોજેક્ટમાં 5 વર્ષની જાળવણી પણ સામેલ


સોલાર સિસ્ટમના સપ્લાય અને ઇન્સ્ટોલેશન ઉપરાંત  5 વર્ષ માટે જાળવણીનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે, જેથી તે લાંબા ગાળે અસરકારક બની શકે. ભારત દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ દેશની 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' સાથે જોડાયેલો છે, જે અંતર્ગત ભારત સરકાર શ્રીલંકાને સહયોગ માટે પ્રાથમિકતા આપે છે.


આ સિવાય લગભગ 9 હજાર બૌદ્ધ મંદિરો અને પિરીવેનાસનું સૌર વિદ્યુતીકરણ અન્ય નવીનીકરણીય પ્રોજેક્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે, જેના માટે લગભગ 10 મિલિયન ડોલર (84 કરોડ રૂપિયા)ની સહાય આપવામાં આવી રહી છે. આ સિવાય એલએનજી સપ્લાય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સંપૂરમાં સોલાર પાવર પ્લાન્ટ પણ ભારતના મોટા પ્રોજેક્ટમાંથી એક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application