કૃષિમંત્રીએ જોડિયામાં વાવાઝોડા બાદ રિવ્યૂ બેઠક યોજી

  • June 19, 2023 02:16 PM 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલ ઝીરો કેઝ્યુલિટીનો ધ્યેય સાચા અર્થમાં સાબિત કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન : રાઘવજી પટેલ


જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિમર્ણિ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી.


આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલા ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જે કામગીરી કરવામાં આવી હતી તેમજ વાવાઝોડા બાદ પણ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી જેના પરિણામે એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. તેમ જ જોડિયા તાલુકામાં એક પણ પશુમૃત્યુ નોંધાયું નથી અને અન્ય કોઈ મોટી નુકસાની થઈ નથી તે બદલ હું જિલ્લા વહીવટી તંત્ર તેમજ સરકારનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું. વાવાઝોડા વખતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રીના સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં સરકારે પહેલાથી જ સતર્કતા દાખવી પ્રભારી સચિવ પ્રભારીમંત્રીઓ અને કેન્દ્રના મંત્રીઓને પણ જવાબદારી સોંપી હતી. તેમના સંકલનમાં રહીને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી તેના પરિણામે વાવાઝોડા સામે પણ આપણે લડી શક્યા છીએ.


આ બેઠકમાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી અને લાઇઝન અધિકારી ગ્રીષ્મા પટેલે મંત્રીને વિગતો આપતા જણાવ્યું હતું કે જોડિયા તાલુકાના 37 ગામોમાંથી દરિયાકાંઠાના 12 ગામોમાં 23 જેટલા શેલ્ટર હાઉસમાં 2184 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ પીજીવીસીએલની ચાર ટીમો અને આર એન બી સ્ટેટ અને પંચાયતની બે ટીમો દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા. તેમજ મીઠાના પાંચ એકમોમાં રહેતા 104 લોકોનો સ્થળાંતર કરાયું હતું. સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જોડિયાના આશ્રય સ્થાનોમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોડિયા તાલુકામાં કોઈ મોટી નુકસાની સર્જાઈ નથી.


આ બેઠકમાં મામલતદાર વીસી ડાભી, તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ, પ્રાંત અધિકારી સાકરીયા તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application