ચેલામાં લોકોએ જોયો દીપડો: ફોરેસ્ટની તપાસ

  • July 04, 2023 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈજાગ્રસ્તો અને ફૂટ પીન્ટ....
‘આજકાલ’ના તસવીરકાર મિતેશ દાઉદિયા સમક્ષ ઝૂંપડપટ્ટીના લોકોએ ઈજાના નિશાન દેખાડ્યા હતાં, ઘટના સ્થળે જોવા મળેલ જાનવરની ફૂટ પ્રીન્ટ પણ નજરે પડે છે.

**
પાંચેક દિવસથી દીપડો દેખાતો હોવાની ફરિયાદ બાદ ફોરેસ્ટની ટીમના રાત-ઉજાગરા

જામનગર શહેરની નજીક અને તેમાં પણ દરેડ વિસ્તારથી ચાર-પાંચ કીમી દૂર ગામ લોકોએ દીપડો જોયો હોવાનું સામે આવ્યા બાદ ફોરેસ્ટની ટીમ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, ગઇ મોડી રાત સુધી પણ ફોરેસ્ટની ટીમ તપાસ કરી રહી હતી, ગામ લોકોએ દીપડો જોયાના દાવા કર્યા છે, બીજી તરફ ફોરેસ્ટની પાંચ દિવસની તપાસ બાદ પણ કોઇ સગડ મળ્યા નથી અને દીપડાને લઇને તરેહ-તરેહની અફવાઓ ઉઠી રહી છે, જેમાં ઝુંપડપટ્ટીના બાળકોને ઘાયલ કર્યા સુધીની વાત આવી રહી છે, પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું નથી.
ચારેક દિવસ પહેલા ચેલા ગામના લોકોએ દીપડો જોયો હતો, એવી ફરિયાદ ફોરેસ્ટ વિભાગ તરફ પહોંચ્યા બાદ જામનગરના ફોરેસ્ટર રાજન ડી. જાદવ દ્વારા તાબડતોબ જંગલખાતાની ટીમ સર્ચ માટે મોકલવામાં આવી હતી, અજીતસિંહ સહિતના ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા ગઇરાત્રે ત્રણ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી, પરંતુ ફોરેસ્ટને હજુ સુધી દીપડાના સગડ મળ્યા નથી, આજે સાંજે ફરી ફોરેસ્ટની ટીમ પુન: તપાસ શરુ કરશે.
રેન્જ ફોરેસ્ટરે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને દીપડા અંગેની ફરિયાદ મળ્યા બાદ ટીમ મોકલવામાં આવી હતી, ચેલાના સરપંચ રાજેન્દ્રસિંહ ભટ્ટીને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી, એક ફેકટરીના સીસી ટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે, અને આ જાનવર દીપડો છે કે કેમ ? તેની ખરાઇ કરવામાં આવી રહી છે, જે રીતે ગામના લોકો અને ઝુંપડપટ્ટીના લોકોએ ફરિયાદ કરી છે, અમે પણ દીપડાની ઉપસ્થિતિ અંગે ઉંડી અને સર્વગ્રાહી તપાસ કરી રહ્યા છીએ.એમણે એવું પણ કહ્યું હતું કે, જ્યાં દીપડો દેખાયો હોવાની વાત કરવામાં આવી રહી છે, ત્યાં મરેલા કૂતરા જરુર જોવા મળ્યા છે, પરંતુ તેમાં પણ શંકા એટલા માટે ઉપજે છે કે, કૂતરા દીપડા માટે સૌથી મનપસંદ શિકાર ગણાય છે અને દીપડો કૂતરા પર હુમલો કર્યા બાદ તેને મૂકી ન દયે, મતલબ કે કૂતરાને સફાચટ કરી જાય છે... આવા સંજોગોમાં કૂતરાની લાશો જે જોવા મળી છે, એ પણ શંકાસ્પદ બાબત છે.
ટુંકમાં શહેરની નજીક એવા દરેડ વિસ્તારની ખૂબ જ પાસે ચેલાના સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની વાત જોરશોરથી ઉઠી છે, ફોરેસ્ટની ટીમો પાંચેક દિવસથી તપાસમાં લાગી છે, દીપડા અંગે સત્તાવાર રીતે ફોરેસ્ટ દ્વારા શું રીપોર્ટ જાહેર કરવામાં આવે છે ? તેના પર સમગ્ર આધાર છે.
**
એક માસુમ બાળકને ફાડી ખાધું-સરપંચનો ધડાકો: ચારેક લોકોને ઘાયલ કર્યા હોવાનો રાજેન્દ્રસિંહ ભટ્ટીનો દાવો: દિપડા સંબંધે ઉડી તપાસ જરુરી
ચેલાના સરપંચ રાજેન્દ્રસિંહ ભટ્ટીએ આજકાલની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી જુદા જુદા લોકોની નજરે દીપડો ચડ્યો છે, હજુ ગઇકાલે જ ગોધરાનો એક મજુર ટ્રેકટર લઇને જતો હતો, તેણે પોતાની નજરે લાંબી પૂછડીવાળો, મૂંછ ધરાવતો દીપડો જોયો છે. આ દીપડાએ એક બાળકને ફાડી ખાધું છે અને ચારેકને ઘાયલ કર્યા છે.
સરપંચે કહ્યું હતું કે, દીપડાએ અઢી વર્ષના એક બાળકને ફાડી ખાધું છે અને બીજા એક બાળકને દીપડો તાણી જતો હતો ત્યારે ગામલોકોએ પાછળ દોડ્યા હતા અને બાળકને છોડાવી લીધું હતું, કુલ ચારેક જેટલી વ્યક્તિઓને દીપડાએ ઘાયલ કર્યાનો દાવો એમના દ્વારા કરવામાં આવ્યો છે.
સતત ચાર દિવસથી તેઓ ફોરેસ્ટની ટીમ સાથે તપાસ માટે જતા હોવાનું પણ એમણે કહ્યું છે, ફૂટ પ્રીન્ટ લીધા છે, ગઇકાલે તો એક વ્યક્તિએ કૂતરાની પાછળ દીપડાને દોડતો નરી આંખે જોયો છે.
એક બાળક જે ગુજરી ગયાની વાત ઉપસી રહી છે, એ બાળકના મા-બાપ અંગે પૂછવામાં આવતા સરપંચે કહ્યું હતું કે, જે બાળકને દીપડાએ ફાડી ખાધો તે જુનાગઢ તરફ કે ઉપલેટા બાજુના હોવાથી તેઓ ઝુંપડુ મુકીને ચાલ્યા ગયા છે.
ઘાયલ થયેલ એક બાળકના માતા-પિતા ધરારનગરમાં શીફટ થયા હોવાનું પણ એમણે કહ્યું હતું, સરપંચે એમ પણ કહ્યું હતું કે, ફોરેસ્ટની ટીમ પાંચ દિવસથી રાત-ઉજાગરા કરી રહી છે, અમે પણ એમની સાથે તપાસમાં જઇએ છીએ, પરંતુ કોઇ સગડ હજુ સુધી મળ્યા નથી...
ટુંકમાં જામનગરની નજીક દીપડો દેખાયા હોવાની બાબત ગંભીર છે અને તેમાં પણ સરપંચ દ્વારા બાળકને લઇને જે વાત કરાઇ છે, એ તો ખૂબ જ સંવેદનશીલ હોવાથી આ મુદ્દે ફોરેસ્ટ દ્વારા વધુ ટીમો કામે લગાડીને તાત્કાલિક અસરથી દીપડા સંબંધે ખરાઇ થવી જરુરી છે.
**
ઈજાગ્રસ્તોના નામ
‘આજકાલ’ની ટીમને ચેલા-દરેડ વચ્ચે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલાં લોકોના નામ આપ્યા હતાં જેમાં બે વર્ષના કરણ વિનોદ સોલંકી, સંજય ગોવિંદ વાઘેલા (ઉ.વ.રપ) અને પારુ સંજય વાઘેલા (ઉ.વ.ર૧)નો સમાવેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application