સરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ

  • March 10, 2025 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યમાં વડી અદાલતના આદેશ અનુસાર સરકારી કર્મચારીઓએ હેલ્મેટ સાથે જ વાહનો ચલાવવા માટે નો આદેશ કરાયા બાદ ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં હવે દરેક પ્રજાજનો એ પણ ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે અને તે અંગેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. ટ્રાફિક શાખા દ્વારા તેની કડક થી અમલવારી કરાવવાનો પ્રારંભ થઈ રહ્યો છે જેથી હવે નગરજનોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું ફરજિયાત બનશે. નહિતર ટ્રાફિક શાખા દ્વારા ૫૦૦ રૂપિયા ના દંડની કાર્યવાહી પણ થશે.


છેલ્લા બે વર્ષ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે વર્ષ ૨૦૨૩ માં કુલ ૭.૮૫૪ તથા વર્ષ ૨૦૨૪ માં કુલ ૭,૫૪૨ લોકો મૃત્યુ પામ્યા હતાં, જેમાં ૩૫ ટકા જેટલા લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતાં. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી ૨૫ ટકા જેટલા વ્યકિતઓ ૨૬ વર્ષની નીચેની વયના હોય છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિતના વ્યકિતઓ હોય છે.


માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવુ એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. 


મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ સરકારી કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરાયો હતો, ત્યારબાદ આજથી સમગ્ર રાજ્યભરમાં પ્રજાજનોએ પણ ટુ વ્હીલરમાં નીકળતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે.
​​​​​​​

 જેથી જામનગરની જનતાએ પણ ટ્રાફિક દંડથી બચવા માટે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જેની આગામી દિવસોમાં કડક હાથે અમલવારી પણ કરાશે. ટ્રાફિક શાખાની ટુકડી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરાશે, તે ઉપરાંત પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના સીસીટીવી કેમેરાઓની મદદથી પણ દંડકીય કાર્યવાહી હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application