શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એડવોકેટ સાથે ૬૨.૭૮ લાખની છેતરપિંડી
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એડવોકેટ સાથે ૬૨.૭૮ લાખની છેતરપિંડી
April 16, 2026 10:23 PM
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર શ્રીનાથજી પાર્કમાં રહેતા એડવોકેટ પુવાનને કૌટુંબિક ભાઈએ શેર બજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી તેની સાથે રૂપિયા ૬૨.૭૮ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ વિશેષ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ પર રામપાર્ક પાછળ શ્રીનાથ પાર્ક શેરી નંબર ૨ માં રહેતા એડવોકેટ ભવ્ય જયેશભાઈ ગરસાદીયા (ઉ.વ.૨૫) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના કૌટુંબિક મામાના પુત્ર પ્રિન્સ લાલજીભાઈ ભૂત (રહે. પંચવટી સોસાયટી શેરી નંબર ૨, એચપી પેટ્રોલ પંપ પાસે મોરબી રોડ) નું નામ આપ્યું છે. પુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા એકાદ વર્ષથી વકીલાતનો વ્યવસાય કરે છે તે પહેલા તે પિતા સાથે શિવ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પર બેસતો હતો અને યુવાનને ખોરાણા ગામે ખેતીની જમીન આવેલી છે તેમજ પાનનો ગલ્લો પણ છે. અગાઉ વેકેશનમાં તે ત્યાં બેસતો હતો. જૂન ૨૦૨૪ માં યુવાન જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો ત્યારે કૌટુંબિક મામાના પુત્ર પ્રિન્સ ભુતના વધુ સંપર્કમાં આવ્યો હતો અને આ પ્રિન્સે કહ્યું હતું કે, તે હાલમાં ચેરબજારનું કામ કરે છે અને તેમાં સારું વળતર મળે છે અને યુવાનને રૂપિયા રોકવાની વાત કરી હતી. પ્રિન્સ તેના સગામાં થતો હોય તેના ઉપર વિશ્વાસ રાખી પુવાન તેની ઓફિસ જે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાનામાંવા સર્કલ પાસે ટ્રિન સ્ટાર સાઉથ બ્લોક ઓફિસ નંબર ૧૩૦૭ અને ૧૩૦૮ માં હોય ત્યાં ગયો હતો જ્યાં પ્રિન્સે ફરી શેર બજારમાં સારું વળતર આપશે તેવી વાત કરી હતી. પુવાને કૌટુંબીક ભાઈ પ્રિન્સ ભુતની વાતમાં આવી જઈ અલગ અલગ સમયે તેના કહ્યા મુજબ અલગ અલગ રકમાં રોકાણ માટે ટ્રાન્સફર કરી હતી. આરોપીએ શરૂઆતમાં યુવાને રોકેલા નાણાનું વળતર ચુકવ્યું હતું જેથી યુવાનનું આરોપી પ્રત્યે વિશ્વાસ દ્રઢ બન્યો હતો. બાદમાં આરોપીએ કહ્યા મુજબ વકીલ યુવાને મોટી રકમનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીની વાતમાં આવી જઈ યુવાને અલગ અલગ સમયે મળી કુલ રૂપિયા ૬૪.૬૦ લાખનું રોકાણ કર્યું હતું. જેમાં રૂ.૧.૨૮ લાખ આરોપીએ પરંત આપી પુવાનનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ મેં ૨૦૨૫ માં પ્રિન્સ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ક્યાંક જતો રહ્યો હતો ત્યારબાદ યુવાનને જાણવા મળ્યું હતું કે આ પ્રિન્સ દુબઈ જતો રહ્યોં છે. આરોપી યુવાનના સગામાં થતો હોય જેથી તે પૈસા આપી દેશે તેવું માની તેણે આજદિન સુધી ફરિયાદ કરી ન હતી. પરંતુ તેણે પૈસા ન આપતા યુવાન સાથે રૂપિયા ૬૨.૭૮ લાખની છેતરપિંડી કરી હોય અને તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ બીએનએસની કલમ ૩૧૮(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.