અમદાવાદમાં પનીરમાં ભેળસેળનો પર્દાફાશ, 1500 કિલો પનીર જપ્ત

  • February 04, 2025 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને એક મોટા પાયે ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી આશરે 1500 કિલોગ્રામ ભેળસેળયુક્ત પનીર અને તેને બનાવવા માટે વપરાતા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.


તપાસમાં શું મળ્યું?

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પેઢીમાંથી પનીર બનાવવા માટે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ જેવા હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા. આ પદાર્થોનો ઉપયોગ પનીર બનાવવા માટે થતો હતો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


જપ્ત કરવામાં આવેલ માલ:

તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ 3 નમૂના લેવામાં આવ્યા છે અને બાકીનો 1500 કિલોગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3.15 લાખ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરવામાં આવ્યો છે.


તંત્રની કાર્યવાહી:

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. આ પ્રકારની ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જપ્ત કરવામાં આવેલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવશે અને પરીક્ષણના અહેવાલ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્ક્વોડને મળેલ ખાનગી બાતમીને આધારે તા: ૦૪-૦૨-૨૦૨૫ નાં રોજ મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, ૩૨૨૨, આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.


મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, અમદાવાદ ખાતે તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતા હતા અને સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર શ્રી જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી, એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો ૦૧, પામોલીન ઓઈલનો ૦૧ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો ૦૧ એમ કુલ - ૦૩ (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે થઈને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે.


આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા થનાર ઉપરોકત રેડથી ભેળસેળયુકત પનીર બનાવી જાહેર જનતાને પનીર તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 


આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application