BREAKING NEWS

કચ્છને મળશે નવી રફ્તારઃ રૂ.493 કરોડના ખર્ચે આદિપુર-ભુજ ડબલ ટ્રેકને મંજુરી મળી

  • June 19, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય રેલવે દ્વારા કચ્છ જિલ્લાના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક અને વેગવંતું બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા આદિપુરથી ભુજ વચ્ચેના ૪૯ કિલોમીટર લાંબા રેલખંડના ડબલિંગ (ડબલ ટ્રેક) કાર્યને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૪૯૩ કરોડના માતબર ખર્ચે મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં કચ્છમાં રેલ સંપર્ક વધારવાની સાથે મુસાફરોની સુવિધા, માલ પરિવહન અને સ્થાનિક ઔદ્યોગિક વિકાસને એક નવી અને અભૂતપૂર્વ ગતિ આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) વેદપ્રકાશે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહત્વાકાંક્ષી યોજના ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહેલા 'નેટવર્ક ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમ' અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. હાલમાં ગાંધીધામ-નલિયા કોરિડોરનો એક મહત્વનો ભાગ ગણાતો આદિપુર-ભુજ રેલખંડ માત્ર સિંગલ લાઇન પર કાર્યરત છે, પરંતુ આ મંજૂરી બાદ હવે ભુજ સીધું જ દેશના બ્રોડગેજ ડબલ ટ્રેક નેટવર્ક સાથે જોડાઈ જશે. જે લાંબા ગાળે આ વિસ્તારના આર્થિક ચિત્રને બદલી નાખશે.

આ રેલખંડનું ડબલિંગ ભવિષ્યમાં વધનારી મુસાફરોની સંખ્યા અને માલ પરિવહનની વિશાળ માંગને પહોંચી વળવામાં નિર્ણાયક સાબિત થશે. આગામી વર્ષોમાં કચ્છ સરહદે અનેક મોટી રેલવે યોજનાઓ પૂર્ણ થવાના આરે છે, જેના કારણે આ ચોક્કસ રૂટ પર ટ્રેનોના ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. આ યોજનાઓમાં મુખ્યત્વે ભુજ-નલિયા ગેજ પરિવર્તન, નલિયા-વાયોર લાઇન વિસ્તાર તેમજ નલિયા-જખૌ, વાયોર-લખપત અને દેશલપર-લૂણા જેવી નવી રેલ લાઇન પરિયોજનાઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટ્સ જ્યારે સંપૂર્ણ રીતે અમલમાં આવશે, ત્યારે ભુજ અને આદિપુર વચ્ચે મુસાફર ટ્રેનો અને માલગાડીઓની સંખ્યામાં બમણો વધારો થશે. રેલવેએ આ ભવિષ્યની જરૂરિયાતોને એડવાન્સમાં ધ્યાને રાખીને જ આ ડબલિંગ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કચ્છના સામાન્ય મુસાફરોને સૌથી મોટો ફાયદો ટ્રેનોની અવરજવરમાં થશે. રેલવેના આયોજન મુજબ, ડબલ ટ્રેક કાર્યરત થતાંની સાથે જ આ રૂટ પર બંને દિશામાં દરરોજ બે નવી વધારાની પેસેન્જર ટ્રેનો દોડાવી શકાશે. હાલમાં સિંગલ ટ્રેક હોવાને કારણે એક ટ્રેનને પસાર કરવા માટે અન્ય ટ્રેનોને કલાકો સુધી જુદા જુદા સ્ટેશનો પર ક્રોસિંગ માટે રોકી રાખવી પડે છે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બગડે છે. નવો ડબલ ટ્રેક બનતા જ આ ક્રોસિંગની સમસ્યાનો કાયમી અંત આવશે, ટ્રેનોની સમયબદ્ધતા (પંક્ચ્યુઆલિટી) સુધરશે અને પ્રવાસીઓને વધુ અનુકૂળ, ઝડપી અને ટૂંકા વેઇટિંગ પિરિયડવાળી મુસાફરીનો લાભ મળશે.

હાલમાં કચ્છ જિલ્લામાં માત્ર સામખિયાળી-ગાંધીધામ અને સામખિયાળી-પાલનપુર રૂટ પર જ ડબલ ટ્રેકની સુવિધા ઉપલબ્ધ છે. ગાંધીધામથી આદીપુર વચ્ચે ફોરલેન (ચાર ટ્રેક) બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે સામખિયાળીથી ગાંધીધામ વચ્ચે ફોરલેનનું કામ પ્રગતિમાં છે. આ કામ પૂરું થતાં સામખિયાળીથી આદીપુર સુધીનો આખો રૂટ ફોરલેન બની જશે. જોકે, આદીપુર-ભુજ લાઇન અત્યાર સુધી સિંગલ ટ્રેક અને માત્ર ઇલેક્ટ્રિફાઇડ હતી, જે હવે ડબલ ટ્રેકમાં પરિવર્તિત થશે. આ ઉપરાંત ગાંધીધામ-કંડલા પોર્ટ કનેક્ટિવિટી, આદિપુર-મુન્દ્રા ખાનગી માલગાડી રૂટ અને ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન જેવા પ્રોજેક્ટ્સ પણ સમાંતર રીતે કાર્યરત છે.

આ ડબલ ટ્રેક પ્રોજેક્ટ માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ વેપાર-ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. નવો ટ્રેક તૈયાર થયા બાદ આ લાઇન પર દર વર્ષે વધારાના ૧૨ મિલિયન ટન (૧.૨ કરોડ ટન) માલસામાનનું પરિવહન શક્ય બનશે. કચ્છ એ ઔદ્યોગિક હબ અને કંડલા-મુન્દ્રા જેવા દેશના અગ્રણી બંદરો ધરાવતો જિલ્લો હોવાથી, આ પ્રોજેક્ટથી લોજિસ્ટિક્સ નેટવર્ક અભૂતપૂર્વ રીતે મજબૂત બનશે. ફેક્ટરીઓ, ઉદ્યોગો અને બંદરો સુધી કાચો માલ પહોંચાડવો અને તૈયાર માલ દેશના અન્ય ભાગોમાં મોકલવો વધુ સરળ અને સસ્તો બનશે. તેનાથી ભારતીય રેલવેની માલભાડાની આવકમાં કરોડો રૂપિયાનો વધારો થશે અને સાથે જ કચ્છના એકંદર આર્થિક વિકાસને નવી ઊંચાઈ મળશે.

રેલવેના આંકડાકીય અંદાજ મુજબ, હાલમાં આ રેલખંડ પર ટ્રેનોની ક્ષમતાનો ઉપયોગ (કેપેસિટી યુટિલાઇઝેશન) સતત વધી રહ્યો છે. જો વર્તમાન સિંગલ લાઇન જ રાખવામાં આવે, તો વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં આ રૂટની ઉપયોગિતા તેની વાસ્તવિક ક્ષમતા કરતા ૧૨૩ ટકા સુધી પહોંચી જાય તેમ હતી, જેનાથી રેલ વ્યવહાર ખોરવાઈ શકે તેમ હતો. આથી આ સમયસરનું ડબલિંગ અનિવાર્ય બન્યું હતું.

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી ગઈ હોવાથી આગામી દિવસોમાં સૌપ્રથમ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ રેલવે ટ્રેકનો ઝીણવટભર્યો એન્જિનિયરિંગ સર્વે કરાશે. જ્યાં પણ રેલવે લાઇનના વિસ્તરણ માટે ખાનગી જમીન આડે આવશે, ત્યાં નિયમ મુજબ જમીન સંપાદન (લેન્ડ એક્વિઝિશન)ની કામગીરી કરવામાં આવશે. આ તમામ વહીવટી, કાનૂની અને બાંધકામની પ્રક્રિયા પૂર્ણ થઈને નવો ટ્રેક સંપૂર્ણપણે તૈયાર થવામાં અંદાજે બે થી ત્રણ વર્ષ જેટલો સમય લાગશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News