હિંડનબર્ગના રિપોર્ટ પર સેબી ચીફ બાદ અદાણી ગ્રુપે આપી પ્રતિક્રિયા, કહ્યું આ નફો મેળવવાનો પ્રયાસ 

  • August 11, 2024 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના લેટેસ્ટ રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગઈ કાલે જારી કરાયેલા આ અહેવાલ અંગે, રવિવારે સવારે, સેબીના વડા માધવી પુરી બૂચે સ્પષ્ટતા આપતા નિવેદન બહાર પાડ્યું હતું અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તો હવે આ મામલે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે. ગ્રુપએ આ આરોપોને તથ્યો અને કાયદાની અવગણના તરીકે ગણાવ્યા.


અદાણી ગ્રુપે તમામ આરોપોને ફગાવી દીધા 


હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો દૂષિત છે અને તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા ગ્રુપ વિરુદ્ધ કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે ફક્ત અમને બદનામ કરવા માટેના રિસાયક્લિંગ દાવાઓ છે. અદાણી ગ્રૂપ વતી એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણા સાબિત થયા છે. આ પહેલા જ જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે.


હિંડનબર્ગના અહેવાલ પર જારી કરાયેલા તેના નિવેદનમાં, અદાણી જૂથે પુનરોચ્ચાર કર્યો હતો કે, 'અમારું વિદેશી હોલ્ડિંગ માળખું સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો નિયમિતપણે કેટલાક જાહેર દસ્તાવેજોમાં પ્રદર્શિત થાય છે.' બદનામ કરવાના આ ઇરાદાપૂર્વકના પ્રયાસમાં ઉલ્લેખિત વ્યક્તિઓ અથવા બાબતો સાથે અદાણી જૂથનો કોઈ વ્યવસાયિક સંબંધ નથી.


હિંડનબર્ગે કયા આક્ષેપો કર્યા છે?


અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડેનબર્ગે શનિવારે જાહેર કરેલા એક અહેવાલમાં અદાણી ગ્રૂપ અને સેબીના ચીફ માધવી પુરી બુચ વચ્ચેના સંબંધો હોવાનો દાવો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે અદાણી મની સિફનિંગ કૌભાંડમાં ભંડોળ આપવા માટે ઓફશોર એન્ટિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો . રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માધવી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.


અદાણી ગ્રુપ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા


ગયા વર્ષે 24 જાન્યુઆરી, 2023 ના રોજ, હિંડનબર્ગ રિસર્ચએ અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ પર સંશોધન અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં હેરાફેરીથી માંડીને ગ્રુપ પર દેવા સુધીના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ અહેવાલ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓના શેરમાં 85%નો ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 60 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.


અદાણી ગ્રુપે 414 પેજમાં જવાબ આપ્યો 


હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથને લઈને જારી કરાયેલા અહેવાલમાં 88 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેના પ્રકાશન પછી તરત જ, અદાણી જૂથ દ્વારા 414 પેજમાં સ્પષ્ટતા આપવામાં આવી હતી. ગૃપીએ તેના પ્રતિભાવમાં કહ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચના 24 જાન્યુઆરીના રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો 'જૂઠાણા સિવાય કંઈ નથી'. દસ્તાવેજ એ જૂથને બદનામ કરવાના હેતુથી પસંદગીની ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોનું સંયોજન છે. હિંડનબર્ગ ટૂંકા વેચાણ દ્વારા જંગી નફો મેળવવા માટે જૂઠાણું ફેલાવી રહ્યું છે જ્યારે મોટી સંખ્યામાં રોકાણકારોને નુકસાન પહોંચાડી રહ્યું છે. જો કે, આ નિવેદન છતાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર હિંડનબર્ગ રિપોર્ટની અસરને કારણે અદાણી જૂથને ભારે નુકસાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application