BREAKING NEWS

વાસદમાં બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

  • July 20, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરવાના કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસે આત્મરક્ષણમાં કરાયેલા ગોળીબારમાં ઠાર કર્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જ્યારે એલસીબીની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢી પોલીસ વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ તેણે પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરી મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારીઓને ઈજાગ્રસ્ત કર્યા હતા. પીએસઆઈ રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો. બે ગોળીઓ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રાત્રિના આશરે ૯:૧૫ વાગ્યે સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી બાળકીના કપડા પણ મળી આવ્યા હતા, જેના આધારે પ્રાથમિક દૃષ્ટિએ બાળકી પર દુષ્કર્મ આચરીને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમોએ તાત્કાલિક ધોરણે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.

વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી અને વાસદ પોલીસ સહિતની છ થી સાત અલગ-અલગ ટીમો બનાવી નરાધમની શોધોખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાની ગોદમાં તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ સીસીટીવી ફૂટેજના સચોટ પુરાવાના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)ને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ અર્થે તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં એક નાટકીય અને મોટો વળાંક આવ્યો હતો. એલસીબીની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને સુરક્ષિત રીતે લઈને આણંદ આવી રહી હતી, ત્યારે આરોપીએ રસ્તામાં અચાનક ઉલ્ટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે અગાઉથી છુપાવી રાખેલા તીક્ષ્ણ ચપ્પુ વડે પોલીસ ટીમ પર અણધાર્યો અને હિંસક હુમલો કરી દીધો હતો. આરોપીના આ અચાનક કરાયેલા હુમલામાં વાહનમાં સવાર પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પરિસ્થિતિ બેકાબૂ અને જીવલેણ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને આત્મસમર્પણ કરવા અને શાંત થઈ જવા માટે વારંવાર કડક ચેતવણી આપી હતી. છતાં આરોપી વધુ હિંસક બનીને હુમલો ચાલુ રાખતા અંતે પોલીસે કાયદો-વ્યવસ્થાની જાળવણી તેમજ પોતાના આત્મરક્ષણમાં આરોપી પર જવાબી ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં આરોપીને બે ગોળીઓ વાગી હતી. લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયેલા આરોપીને તાત્કાલિક કટોકટીની સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આરોપી સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર પ્રકરણમાં કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application