નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)નો તાજેતરનો અહેવાલ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર લાવ્યો છે. ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે દેશમાં એકંદર આત્મહત્યાના દરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ વિદ્યાર્થીઓ અને બેરોજગારોમાં આત્મહત્યાનો દર ઘટવાને બદલે વધ્યો છે. આ પરિસ્થિતિ શૈક્ષણિક દબાણ અને કારકિર્દીની અનિશ્ચિતતા તરફ ઈશારો કરે છે.
આંકડા દર્શાવે છે કે ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ ૮.૧ ટકાથી વધીને ૮.૫ ટકા થયું છે. સંખ્યાઓની દ્રષ્ટિએ, ગયા વર્ષે ૧૩,૮૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જે હવે વધીને ૧૪,૪૮૮ થઈ ગઈ છે. તેવી જ રીતે, બેરોજગાર આત્મહત્યાનો હિસ્સો પણ ૮.૩ ટકાથી વધીને ૮.૭ ટકા (૧૪,૭૭૮ મૃત્યુ) થયો છે. આમ, ગયા વર્ષની સરખામણીમાં દરરોજ લગભગ બે વધુ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
૨૦૨૪માં કૃષિ ક્ષેત્રમાં કુલ ૧૦,૫૪૬ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં ૪,૬૩૩ ખેડૂતો અને ૫,૯૧૩ ખેતમજૂરોનો સમાવેશ થાય છે. જોકે, આ આંકડો પાછલા વર્ષ ૧૦,૭૮૬ કરતા થોડો ઓછો છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓના કુલ 284,530 કેસ નોંધાયા હતા, જે કુલ ગુનાના 8.0 ટકા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની શ્રેણીમાં સૌથી વધુ કેસ પતિ અથવા સંબંધીઓ દ્વારા ક્રૂરતાના હતા જે 42.3 ટકા હતા.