કલ્યાણપુર તાલુકામાં થયેલા માર્ગ અકસ્માતમાં ફરાર કારચાલકને દબોચી લેવાયો

  • April 07, 2025 11:48 AM 

વડોદરાના ટ્રાન્સપોર્ટરની અટકાયત


કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામ નજીક તાજેતરમાં એક કાર ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માત સંદર્ભે સ્થાનિક પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અકસ્માત સર્જીને આરોપી કારચાલક કાર સાથે નાસી છૂટ્યો હતો.


આ પ્રકરણમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ ભાટિયા આઉટ પોસ્ટના પી.એસ.આઈ. કે.પી. ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને આ ગુનામાં જુદા જુદા સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં જી.જે. 06 પાસેની કારનો ચાલક દ્વારકા તરફ નાસી છૂટ્યો હોવાનું જણાયું હતું.


આ પછી પોલીસની ટીમ દ્વારા કુરંગા ગામે આવેલા ટોલ ગેટ ખાતે ટોલ ટેક્સ અંગેની તપાસ કરતા તા. 23 માર્ચ 2025 ના રોજ સીસીટીવી કેમેરા અને ફાસ્ટ ટેગમાંથી કપાયેલા ટોલની વિગત મેળવીને આ પ્રકરણમાં જી.જે. 06 એચ.એસ. 0259 નંબરની મોટરકારનો ચાલક સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું હતું.


આથી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ બાદ વડોદરામાં વાસણા રોડ ઉપર આવેલી યોગેશ્વર કૃપા સોસાયટી ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેષ ગોરધનભાઈ પ્રજાપતિ નામના 41 વર્ષના કુંભાર શખ્સની અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application