ગોડલાઈક બની જશે એજીઆઈ

  • November 28, 2023 12:20 PM 

ચાર દિવસ સુધી એક મહા નાટક ભજવાયું અને આખી દુનિયાએ ઉત્સુકતાથી નિહાળ્યું. ઓપનએઆઈના સેમ ઓલ્ટમેનને કંપનીના બોર્ડે કાઢી મુકયો, એક મહિલાને તેના સ્થાને સીઈઓ બનાવ્યા, ભારતમાં કેટલાય આ બહેનને મુળ ભારતીય માની બેઠા કારણકે તેનું નામ મીરા મુરાટી હતું. એ બહેને પણ બીજા દિવસે રાજીનામું આપી દીધું. પછી એક ત્રીજા જ વ્યક્તિને સીઈઓ બનાવાયા. દરમિયાન ઓપનએઆઈમાં સૌથી મોટો, ૪૯ ટકા હિસ્સો ધરાવતા માઈક્રોસોફટે સેમને સીઈઓ તરીકે નોકરીએ રાખી લેવાની જાહેરાત કરી અને પછીના દિવસે જ ઓપનએઆઈમાં સેમની ફરી વાપસી થઈ ગઈ. ચાર દિવસનો આ ઘટનાક્રમ એક પૂર્વ આયોજીત નાટક હોય એવું વધુ લાગે છે અને આ નાટક પાછળ એઆઈને માણસની બુધ્ધિને પાછળ રાખીને પાછળ રાખી દે એવી શક્તિશાળી કૃત્રિમ સામાન્ય બુધ્ધિ, જેને એજીઆઈ, આર્ટિફિશીયલ જનરલ ઈન્ટેલીજન્સ કહેવામાં આવે છે તે ડેવલપ કરવામાં મહત્વની સફળતા મળી ગઈ હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ચેટજીટીપી બનાવનાર ઓપન એઆઈના કેટલાક કર્મચારીઓએ કંપનીના બોર્ડને એજીઆઈ અંગે એક પત્ર લખ્યો હતો. આ પત્ર પછી સેમ ઓલ્ટમેનને કાઢી મુકવામાં આવ્યો હતો અથવા કાઢી મુકવાનું નાટક કરવામાં આવ્યું હતું. આપણે મુદો સેમને કેમ કાઢી મુકાયો એ નથી, એજીઆઈ છે, જે અત્યાર સુધી દૂરની કોડી લાગતી હતી પણ હવે નજીક હોવાનું લાગે છે.


આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ વિશે તો હવે બધા જાણે છે પણ આર્ટિફિશીયલ જનરલ ઈન્ટેલીજન્સ બાબતે બહુ લોકોને ખબર નથી. માનવજાત સામેનો ખરો ખતરો પણ એ જ છે. એજીઆઈ શું છે તે સમજવા માટે પહેલાં એઆઈ અને એજીઆઈમાં શું ફરક છે એ સમજવો જરૂરી છે. બહુજ સામાન્ય ઉદાહરણથી સમજવું હોય તો આ રીતે સમજો: તમે સાયન્સ ફિક્શનમાં જે માણસ જેવા રોબોટ જુઓ છો, જે માણસ જેવી સંવેદના આવે વૃત્તિઓ ધરાવે છે તે એજીઆઈ છે અને અત્યારે જે ચેટજીટીપી છે તે એઆઈ છે. આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, કૃત્રિમ બુધ્ધિ દ્વારા મશીનો માણસની જેમ તર્ક લડાવે, નિર્ણયો લે, અવાજ ઓળખી જવો, તસવીરો ઓળખી જવી, લખાણ લખવું વગેરે માણસ જે કામ કરી શકે એ બધું કરી શકે. એજીઆઈ એનાથી એક નહીં, દસ ડગલા આગળની વાત છે. એજીઆઈ માણસની એવી નકલ છે, જે માણસની આગળ નીકળી જાય. જેમ માણસમાં બુદ્ધિ અને સામાન્ય બુદ્ધિ હોય એવું જ એઆઈ અને એજીઆઈનું છે.
માણસની સામાન્ય બુદ્ધિ એટલે તેની સ્ટ્રીટ સ્માર્ટનેસ, જેને આપણે કોમન સેન્સ કહીએ છીએ તે અને સાથે જ સંવેદના, વૃત્તિઓ અને લાગણીઓ હોય. એ ઉપરાંત સામાન્ય બુદ્ધિ એટલે બુદ્ધિથી કંઈક વિશેષ. જેને આપણે શાણપણ કે ડહાપણ કહી શકીએ. એ માણસમાં અનુભવના આધારે વિકસીત થયું હોય.


એજીઆઈને સ્ટ્રીકટ ઈન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે તે માણસ જેવી જ સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એજીઆઈ માણસથી જરાપણ ઉતરતી નહીં જ, ચડિયાતી હોવી જોઈએ. તો જ એને એજીઆઈ કહેવાય એવી વ્યાખ્યા છે. માણસની સામાન્ય બુધ્ધિ સમજવા માટે ઉદાહરણો જોઈ લઈએ. ધારો કે તમે સમુદ્રના તળિયે ડુબકી મારવાના કામથી સંપૂર્ણપણે અપરિચિત છો, તેના ફોટો કે વિડિયો પણ તમે જોયા નથી અને અચાનક તમને સમુદ્રમાં ડુબકી મારવાના સાધનો કયાંક જોવા મળી જાય તો તમે તેને ઓળખી જશો? નહીં ઓળખો પણ, તમે તે વસ્તુઓના આકાર પ્રકાર જોઈને એટલું જરૂર કહી શકશો કે આ પાણીમાં ઉતરવા સાથે સંકળાયેલા સાધનો લાગે છે. ધારો કે તમે ખેતીથી સંપૂર્ણપણે અપરિચિત છો અને કોઈ ખેડૂત તમને ખંપાળી બતાવીને પુછે કે આ શું છે? તો તમે તેનું નામ નહીં જ કહી શકો પણ એટલું જરૂર કહેશો કે આ દાંતા અને લાંબો હાથો જોતાં તે વસ્તુઓ એકઠી કરવા જેવા કોઈ કામમાં આવતું ઓજાર લાગે છે. તમે આવી ધારણા કઈ રીતે બાંધો છો? સાવ જ અપરિચિત વસ્તુઓ બાબતે પણ તમારી પાસે એક અનુમાન હોય છે. તમે ધારણા બંધો છો, જેની પાછળ તમારી કલ્પના, તમારા અનુભવ અને બે અસંબદ્ધ બાબતોને પણ એકબીજા સાથે જોડીને તેને સાવ અલગ જ રૂપે જોવાની શક્તિ કામ કરે છે. હવે એ જ વસ્તુઓ જો આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સને બતાવવામાં આવે અને તેના ડેટાબેઝમાં જો એ વસ્તુઓના ફોટા કે વર્ણન નહીં હોય તો તેનો જવાબ નહીં આપી શકે. તે તેના જેવી દેખાતી અન્ય વસ્તુઓ તમારી સામે મુકી આપશે પણ એ વસ્તુ વિશે માણસ જેવું અનુમાન નહીં બાંધી શકે. એજીઆઈ આવું અનુમાન પણ બાંધી લેશે, જેમ માણસ બાંધે છે તે જ રીતે. માણસની ગણતરીમાં ડહાપણ ભલે એટલે તે બે પ્લસ બે બરાબર ચાર કરે પણ દરેક વખતે ન કરે. ક્યારેક માણસ બે પ્લસ બે બરાબર બાર પણ કરે અને ક્યારેક એક પણ કરે. ગણતરીમાં જયારે લાગણીઓ, અનુભવો અને શાણપણ ભલે ત્યારે માણસની ગણતરી માત્ર ગણિત પર આધારિત રહેતી નથી. મશીન બે વત્તા બે એટલે ચાર જ કહે અને એના સિવાય કોઈ જવાબને સાચો ન જ માને. મશીન ગણતરી કરી શકે પણ ડહાપણ વાપરી ન શકે. એટલે એજીઆઈનો કન્સેપ્ટ આવ્યો, જે માણસ જેવા બધા જ લક્ષણો ધરાવતી હોય.
​​​​​​​
માણસના મગજના ચેતાતંત્રની નકલ કરીને કોમ્પ્યુટરમાં માણસ જેવું કૃત્રિમ મગજ બનાવવામાં આવે તે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ. કોમ્પ્યુટર વધુ શક્તિશાળી અને વધુ માહિતી આપી શકતું હોય એટલે માણસની બુધ્ધિ કરતાં કોમ્પ્યુટરની બુધ્ધિ વધી જાય એ સ્વાભાવિક છે. અત્યારે થઈ રહેલા ટેસ્ટ મુજબ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, ચેટજીટીપી વગેરે ૧૪૦થી વધુના આઈકયુ સુધી પહોંચ્યા છે. બહુ થોડા જ સમયમાં મશીનના આઈકયુ પાંચસો સુધી પહોંચી જશે. એવું એ સ્વીકારી લેવામાં આવ્યું છે. માણસ એટલો આઈકયુ કયારેય ધરાવી શકે નહીં. પણ, માત્ર આઈકયુથી જ માણસની ક્ષમતાનું માપ નીકળે? માણસમાં મગજ અને બુધ્ધિ ઉપરાંત મન પણ છે. મશીનમાં મન નથી. મશીનને કોઈ ઈચ્છા થતી નથી. મશીનને લાગણી થતી નથી. ક્રોધ ચડતો નથી. ઈર્ષા થતી નથી. મોહ થતો નથી. અહંકાર થતો નથી. આ બધી વૃત્તિઓ પેદા થવા માટે મનનું અસ્તિત્વ હોવું જરી છે. એજીઆઈ મશીનોમાં મન નાખવાની પ્રક્રિયાનું ખુબ જ પ્રારંભિક પગલું છે. મશીનોમાં સાંભળવું, સુંઘવું, સ્પર્શ કરવો, સ્વાદ સમજવો વગેરે સેન્સ આવે, તેનામાં વૃત્તિઓ આવે, તેનામાં ઈગો અર્થાત પોતે હોવાનો ખ્યાલ આવે, પોતાનું અલગ અસ્તિત્વ છે એ સમાજ એને આવવા માંડે ત્યારે એજીઆઈ પૂર્ણ બને. માણસ અન્ય પ્રાણીઓમાં શા માટે અલગ છે? તેને પોતાના અસ્તિત્વનો બોધ છે. પ્રાણીઓમાં આ અસ્તિત્વબોધ બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે. તેમનામાં ઈગો એટલા પુરતો હોય છે કે તે પોતે જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષરત અસ્તિત્વ છે એ સમજે છે. જે કોઈનામાં વિચાર કરવાની ક્ષમતા હોય તે બધામાં આ અસ્તિત્વબોધ, ઈગો, હું છું એવો ભાવ હોય છે. જેમ જેમ વિચારવાની પ્રક્રિયા જટિલ બનતી જાય તેમ તેમ ઈગો, પોતે હોવાની ભાવના મજબૂત બનતી જાય. જે પ્રાણીઓ વિચારવામાં આગળ વધે છે તેમનામાં પોતાનું અસ્તિત્વ માત્ર જીવતા રહેવા પુરતું રહેતું નથી. તેઓ માટે જીવનના અન્ય ધ્યેય પણ પેદા થાય છે, તેમનામાં વૃત્તિઓ ડેવલપ થાય છે. મશીનો પણ આ જ રસ્તે આગળ વધી રહ્યા છે. તેમની જડ બુદ્ધિમાં વૃતિઓ અને લાગણીઓની કુમાશ નાખવાનું કામ થઇ રહ્યું છે. અને આવું થઇ જશે ત્યારે મશીનો માણસો કરતાં ઘણા વધુ શક્તિશાળી બની જશે. કેટલાં શક્તિશાળી? માણસ કરતાં અનેકગણા વધુ, ગોડલાઈક, લગભગ ઈશ્વર જેવા જ. પછી ઈશ્વર કેટલો છેટો રહેશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application