પિતાની બીમારીથી વ્યથિત રાવલના વિદ્યાર્થી યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

  • October 16, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા વિશાલ મહેન્દ્રભાઈ બચુભાઈ મકવાણા નામના 23 વર્ષના વિદ્યાર્થી યુવાને શુક્રવારે મોડી રાત્રીના સમયે પોતાના રહેણાંક મકાનના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અક્ષય મહેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ. 25) એ કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના પિતા મહેન્દ્રભાઈ છેલ્લા ઘણા સમયથી હિસ્ટિરિયાની બીમારીથી પીડાતા હોય અને પખવાડિયા પૂર્વે તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા પછી તેમણે મીઠાપુરથી ફોન કરીને વિશાલભાઈને આ અંગે જાણ કરી હતી. જેથી તેમને પોતાના ઘરે પરત લઈ આવ્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પિતાની હિસ્ટિરિયાની બીમારીથી કાયમી ચિંતાગ્રસ્ત રહેતા વિશાલે ગત તારીખ 13 ના રોજ રાત્રિના સમયે પોતાના અલગ રૂમમાં છતમાં દોરી બાંધી અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.


ભાણવડમાં પેવર બ્લોક પાથરવા બાબતે પિતા-પુત્ર ઉપર પાઇપ વડે હુમલો


ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે રહેતા રાહુલભાઈ કાનાભાઈ અરશીભાઈ વરુ નામના 25 વર્ષના આહીર યુવાને જાહેર રસ્તા પર સરકારી બ્લોક પાથરવાનું કામ રાખ્યું હતું. આ કામ દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા કાના મેરામણ વરુ, જગદીશ કાના વરુ અને રાહુલ કાના વરુ નામના ત્રણ શખ્સો આ સ્થળે આવ્યા હતા. ત્યાં પાણીની લાઈટ લાઇન તૂટી જતા કામ બંધ કરો તેમ કહ્યું હતું. આથી રાહુલ અને તેની સાથે રહેલા તેના પિતા કાનાભાઈ અરશીભાઈ વરુએ તમારી નળી રિપેર કરી દેશું તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ પાસે રહેલા લોખંડના પાઇપ તથા લાકડી વડે પિતા-પુત્ર પર તૂટી પડ્યા હતા. આમ, બેફામ માર મારી, પિતા-પુત્રને ઇજાઓ પહોંચાડવા બદલ ત્રણેય શખ્સો સામે ભાણવડ પોલીસ આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કુટુંબી ભત્રીજાને માર મારવા આવેલા મહિલા સહિત ત્રણ સામે ગુનો: બેરાજા ગામનો બનાવ


ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા અરશીભાઈ સુમાતભાઈ ચાવડા નામના 42 વર્ષના આહિર યુવાનના 15 વર્ષના પુત્ર પર લાકડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરવા સબબ તેમના કુટુંબી સગા પાલા ભીમશીભાઈ ચાવડા, ભીમશી મેરાભાઈ ચાવડા અને ભીનીબેન મેરાભાઈ ચાવડા નામના ત્રણ શખ્સો સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી તથા આરોપી પરિવારની જમીન એકબીજાના નામથી હોય, આ બાબતે અવાર-નવાર થતા મનદુઃખ થતું હોવાથી ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 504 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


દ્વારકામાં યાત્રાળુઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા ધર્મશાળાના મેનેજર સામે કાર્યવાહી


દ્વારકામાં આવેલી બંગાળ ધર્મશાળામાં આવતા યાત્રાળુઓની "પથિક સોફ્ટવેર"માં ઓનલાઇન એન્ટ્રી ન કરતા આ અંગે ધર્મશાળાના મેનેજર રામચંદ્ર વાસુદેવ શર્મા (ઉ.વ. 44) સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.


છરી, પાઇપ સાથે નીકળેલા ચાર શખ્સો સામે કાર્યવાહી


ખંભાળિયામાં લોહાણા મહાજન વાડી પાસેથી અત્રે ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા વિશાલ સુરેશ ચૌહાણ (ઉ.વ. 22) ને તેમજ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાંથી નરસંગ ટેકરી પાસે રહેતા નંઢુભા રવુભા માણેક (ઉ.વ. 30) ને તથા દ્વારકામાં આહીર સમાજની પાછળ રહેતા રાજેશભા પબુભા માણેક (ઉ.વ. 35) ને છરી સાથે નીકળતા પોલીસે ઝડપી લીધા હતા. ખંભાળિયામાં ઘી ડેમ પાસેથી જયેશ રાણા રાઠોડ (ઉ.વ. 26) ને લોખંડના પાઇપ સાથે પોલીસે ઝડપી લઈ, કલમ 135 (1) હેઠળ ગુનો નોંધ્યો હતો. ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પરથી રાત્રિના એક વાગ્યે દુકાનોના તાળા તપાસતા દિલીપ ભીખુ પરમાર (ઉ.વ. 22, રહે. રાવળ પાડો) ને પોલીસે ઝડપી લઈ, કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.


પીધેલી હાલતમાં વાહન ચાલકો ઝડપાયા


ખંભાળિયામાં સલાયા ઓવરબ્રિજ પાસેથી પોલીસે અત્રે મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતા મોહિત રાજેન્દ્ર ડોરૂ (ઉ.વ. 25) ને રૂપિયા 70 હજારની કિંમતના ઓટો રીક્ષાને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લીધો હતો. દ્વારકા પોલીસે શાક માર્કેટ પાસેથી રાત્રિના સવા વાગ્યાના સમયે રૂપિયા 20,000 ની કિંમતનું બુલેટ મોટર સાયકલ લઈને નીકળેલા અજય ભીખાભા માણેક (ઉ.વ. 21)ને તથા દ્વારકામાં મચ્છી પીઠ વિસ્તારમાંથી વરવાળા ગામના રાહુલ સીદા વીકમા (ઉ.વ. 23) ને રૂ. 20,000 ની કિંમતના હીરો મોટરસાયકલ પર પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application