કાનાલૂસમાં ઘર પાસે રનીંગ કરતા ૨૫ વર્ષના યુવાનનું હાર્ટ ફેઇલ

  • December 11, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં યુવાવયે હાર્ટ એટેકથી મૃત્યુના બનાવ યથાવત: ગુજરી બજારમાં આવેલા આમરા ગામના યુવાનનું છાતીમાં દુ:ખાવાથી મૃત્યુ

જામનગર પંથકમાં યુવાવયે હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લેબર કોલોની માં રહેતા પર પ્રાંતીય ૨૫ વર્ષેના યુવાનને રનિંગ કરતી વખતે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને ભારે કરુણંતીકા છવાઈ છે. જયારે જામનગરમાં ગુજરી બજારમાં આવેલા આમરા ગામના યુવાનનું છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ જવાથી સારવારમાં મૃત્યુ થયુ હતું.
મૂળ રાજસ્થાનના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લેબર કોલોની માં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાધેશ્યામ ડાયારામ પન્નુ નામના ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન સવારે પોતાના રહેણાક  મકાનની આજુબાજુના વિસ્તારમાં રનીંગ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને એકાએક ચક્કર આવતા પડી ગયો હતો. જેને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને લેબર કોલોનીમાં સોંપો પડી ગયો હતો.
જેની સાથે જ રહેતા મુકેશભાઈ રામતિવારી કુમારે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગરના આમરા ગામમાં રહેતા કેશવજીભાઇ દેવરાજભાઇ મઘોડીયા (ઉ.વ.૪૪) નામનો યુવાન ગઇકાલે જામનગરના નાગનાથ ગેઇટ નજીક નજીક ભરાતી ગુજરી બજારમાં આવ્યા હતા, જયાં અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇને પડી જતા સારવારમાં જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ થયુ હતું, આ બનાવ અંગે સત્યસાંઇનગરમાં રહેતા હેમત કાનજીભાઇ ધારવીયાએ સીટી-બી પોલીસમાં જાણ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી નાની વયે હાર્ટએટેકના બનાવો વધી રહયા છે, જેના કારણે ચિંતાની લાગણી જન્મી છે.
***
કુવામાં કામ કરી રહેલા યુવાન પર ભેખડ ધસી પડતા કરુણ મોત: રાણ ગામનો બનાવ
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા દેવરામભાઈ પેથાભાઈ નકુમ નામના ૩૫ વર્ષના સતવારા યુવાન શનિવારે સવારના સમયે તેમની વાડીના કૂવામાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એકાએક તેમના પર ભેખડ ધસી પડતા તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વેલાભાઈ પેથાભાઈ નકુમએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application