ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે ખેતમજૂરની ત્રિકમના ઘા ઝીંકી હત્યા કર્યાનો બનાવ સામ આવ્યો છે. યુવાનને માથાના ભાગે ત્રિકમના ઘા ઝીંકી દેવાતા યુવકને હેમરેજ થઇ જતાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ યુવકે ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાન તેની પ્રેમિકા અને તેના બે સંતાનો સાથે રહેતો હતો પણ બનાવ બાદ ત્રણેય ભેદી રીતે ગુમ થઇ જતાં પ્રેમિકા સહીતની ત્રિપુટીએ હત્યા કર્યાની દ્રઢ શંકા છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મૂળ એમપીના જાંબવાના વતની અને હાલ જેતપુરના મેવાસા ગામે રહેતા મુકેશભાઇ પીશુભાઈ વસુનીયા(ઉ.વ. ૩૦) એ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ચાર ભાઈ તથા બે બહેનો પરિવાર છે. જેમાં સૌથી મોટા ભુરૂભાઈ છે. ત્યાર બાદ થાવુ ઉર્ફે મહેશભાઈ, બાદ સ્વેતાબેન, ત્યાર બાદ હું છું, મારા પછી રમીલાબેન અને સૌથી નાનો વિનોદ છે. ફરિયાદીના મોટાભાઇ થાવુ ઉર્ફે મહેશને રેશ્માબેન ઝાઉડા સાથે પ્રેમ સબંધ હોય જેથી તેઓ છેલ્લા બે વર્ષથી સાથે રહેતા હતા. છેલ્લા છ મહીનાથી મોટા દડવા ગામે ગીરીશભાઈ ભીમજીભાઈ પારઘીની વાડી ભાગીયુ રાખી ત્યાં રહેતા હતા. તેની સાથે રેશમાબેનનો દિકરો કુનો તથા દિકરી લીલા પણ રહેતી હતી. થાવુની પત્ની મમતાબેન ફરિયાદીના પરિવાર સાથે રહે છે.
વધુમાં યુવકે જણાવ્યું હતું કે, ગઇ તા.૧૧/૧૨/૨૦૨૫ ના રોજ સવારના મોટાભાઈના શેઠ ગીરીશભાઈનો મને ફોન આવેલ કે, સવારના આશરે સવા છ વાગ્યે હું મારી વાડીયે ગયેલ ત્યારે વાડીયે આવેલ ઓરડીનું બારણુ બહારથી બંધ હોય જે બારણુ ખોલી અંદર જોતા તારો ભાઈ થાવુ ખાટલા ઉપર બેભાન હાલતમાં પડેલ હતો અને તેનું મોઢુ લોહી લુહાણ હતું. જેથી અમે તેને ૧૦૮ માં ગોંડલ સરકારી દવાખાને લઇ જઈએ છીએ, તમે ગોંડલ આવો તેમ વાત કરેલ હતી. જેથી હું મારા ઝુપડે જઇ ઘરના સભ્યોને બનાવ અંગે વાત કરી નાના ભાઈ વિનોદ તથા ભાભી સાથે ઇકો ગાડીમાં ગોંડલ જવા નિકળેલ હતા. અમે રસ્તામાં હતા તે દરમિયાન ગીરીશભાઇએ જણાવેલ કે, તમારા ભાઇને ગોંડલથી રાજકોટ સરકારી દવાખાને લઈ જઈએ છીએ, જેથી તમે રાજકોટ આવજો. જેથી અમે રાજકોટ સરકારી દવાખાને દોડી ગયેલ હતા. ત્યારે મારા ભાઇની સારવાર ચાલુ હતી અને તે બેભાન હાલતમાં હતો.
યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ અંગે ગીરીશભાઇને પુછતા તેમણે મને જણાવેલ કે, હું સવારના સવા છ વાગ્યે હું મારી વાડીયે ગયેલ ત્યારે વાડીયે કોઇ ન હતુ. વાડી ખાતે આવેલ ઓરડીનું બારણુ બહારથી બંધ હતુ. જેથી મે બારણુ ખોલી અંદર જોતા ખાટલા ઉપર તમારો ભાઈ બેભાન હાલતમાં પડેલ હતો અને તેના માથાના ભાગે ઇજા થયેલ હતી, લોહી નિકળેલ હતુ. ખાટલાની બાજુમાં લોહી વાળો ત્રીકમ પડેલ હતો તથા રૂમમાં પડેલ કપડા ઉપર તથા નીચે લોહીના ડાઘા હતા. જેથી યુવાનને સારવાર અર્થે ખસેડાતા તેને માથામાં હેમરેજ થયેલનું તથા ચૌદ ટાંકા આવેલનું તબીબે જાહેર કર્યું હતું.
વધુમાં યુવકે જણાવ્યું હતું કે, મારા ભાભી મમતાબેન અગાઉ મોટા દડવા ગયેલ ત્યારે તેની સાથે તથા મારા ભાઇ થાવુ સાથે ભેગા રહેવા બાબતે રેશ્માએ ઝઘડો કરેલ હતો. જેથી મારા ભાભી પરત મેવાસા આવતા રહેલ હતા. ઘટના બાદ રેશ્માબેન તથા તેના દિકરા-દિકરીઓ મોટા દડવા ગામેથી જતા રહેલ હોય અને તેમના ફોન પણ બંધ આવતા હોય જેથી આ રેશ્માબેન તથા તેના દિકરા-દિકરીઓએ મારા ભાઈને માર મારેલ હશે તેવી અમોને શંકા છે તેમ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ હતો.
જે તે સમયે આટકોટ પોલીસે હત્યાની કોશિશની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો બાદમાં યુવકે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દમ તોડી દેતા આટકોટ પોલીસે હત્યાની કલમોનો ઉમેરો કરી પીઆઈ આર એસ સાંકળિયાની ટીમે પ્રેમિકા અને તેના સંતાનોની શોધખોળ શરૂ કરી છે.
પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતકે મમતાબેન નામની મહિલા સાથે અગાઉ લગ્ન કર્યા હતા. જે લગ્નથી તેને સંતાનમાં બે દીકરી અને ત્રણ દીકરાનો જન્મ થયો હતો. બાદમાં રેશ્મા સાથે આંખ મળી જતાં બંને ભાગી ગયા હતા અને અલગ રહેવા લાગ્યા હતા. હત્યાના બનાવથી પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.