શહેરના પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા નેપાળી યુવાનને તેના ભાઈના સાસરિયાઓએ માથામાં છરી ઝીંકી દીધી હતી તેમજ તેની માતાને ઢીકાપાટોનો મારમાર્યો હતો. જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બાદમાં આ મામલે નેપાળી યુવાને ભાઈના સાળા સહિત ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે. યુવાનના ભાઈની પત્ની રીસામણે હોય જે બાબતે વાતચીત કરવા આવ્યા બાદ ડખો થયો હતો.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, પુષ્કરધામ પાસે કેવલમ આરએમસી આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નંબર 12 રૂમ નંબર 14 માં રહેતા આકાશ અમરશીભાઈ દરજી (ઉ.વ 26) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનહરપ્લોટ ગાયત્રી હોસ્પિટલની પાછળના એપાર્ટમેન્ટમાં રહેતા સુજલ ગણેશભાઈ આઉજી, વિહમ, સુજલની માતા નિર્મળાબેન અને સુજલની માસી રાધિકાબેનના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યે આસપાસ તેના ભાઈ અર્જુનના સાળા સુજલ તથા વિહમ સહિતનાઓ અહીં આવ્યા હતા અને તેનો ભાઈ અર્જુન તથા તેની પત્ની સીતાના સમાધાન કરવા માટે વાતચીત કરી હતી. આ દરમિયાન બોલાચાલી થતા તેઓ અહીંથી જતા રહ્યા હતા. બાદમાં રાત્રિના 11:30 વાગ્યા આસપાસ આ લોકો ફરી અહીં આવ્યા હતા અને સુજલ ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન યુવાનના માતા ચંદાબેન તથા તેનો ભાઈ અર્જુન બહાર આવ્યા હતા અને સુજલને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને આ શખસો ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન સુજલે તેની પાસે રહેલી છરી કાઢી આકાશને માથાનાભાગે એક ઘા મારી દીધો હતો બાદમાં નિર્મલાબેન તથા રાધિકાબેને ફરિયાદીના માતા ચંદાબેન (ઉ.વ 45)ને પેટના ભાગે ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં અર્જુને વચ્ચે પડી વધુ મારમાંથી બચાવ્યા હતા.
આ શખસોએ યુવાન તથા તેના ભાઈ અર્જુનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા આકાશ અને તેના માતા ચંદાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આ મામલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, યુવકના ભાઈ અર્જુનની પત્ની સીતાબેન છેલ્લા એકાદ માસથી રિસામણે હોય જેના સમાધાનની વાતચીત કરવા માટે અર્જુનનો સાળો સુજલ, વિહમ તેની માતા નિર્મળા અને માસી રાધિકાબેન અહીં ઘરે આવ્યા બાદ બોલાચાલી થતા આ હુમલો કર્યો હતો.