BREAKING NEWS

શરીરના બે કટકા થઈ ગયા... રાજકોટમાં પીડી માલવિયા ફાટક પાસે ટ્રેન હેઠળ આવી જતી યુવકનું મોત

  • May 07, 2026 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત ગણાતા P.D. માલવિયા ફાટક નજીક એક અજાણ્યા પુરુષનું ટ્રેન નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરૂણ ઘટના રાત્રિના અંદાજે ૧ વાગ્યાના અરસામાં બની હતી. કોઈ અજાણ્યો વ્યક્તિ રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો અથવા ત્યાં હાજર હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે મૃતક વ્યક્તિના શરીરના બે કટકા થઈ ગયા હતા અને તેનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.


ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ અને રેલવે પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહના અવશેષોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અંધારાના કારણે શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા.


હાલમાં પોલીસ સામે સૌથી મોટો સવાલ મૃતકની ઓળખ કરવાનો છે. મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર મળી આવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે. આ સાથે જ, આ બનાવ પાછળનું કારણ શું છે - તે અકસ્માત છે કે પછી વ્યક્તિએ જીવન ટૂંકાવવા માટે આપઘાત કર્યો છે? તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોની પૂછપરછ અને રેલવેના સીસીટીવી ફૂટેજ દ્વારા સત્ય બહાર લાવવા પ્રયાસો થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application